મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ NCP-શિવસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ…

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ઘટનાક્રમ બાદ એનસીપીના પ્રમુખ નેતા શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. શરદ પવારે કહ્યું કે શિવસેનાની આગેવાનીમાં આપણે બધા એકજુટ હતા અને એકજુટ રહીશું. પ્રેસ કોન્ફરન્સમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે જે કરીએ છીએ તે દિવસના અજવાળામાં જ કરીએ છીએ. ભાજપનો ખેલ આખો દેશ જોઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ બાદ શરદ પવારે કહ્યું કે અજિત પવાર પાસે 54 ધારાસભ્યોની સહી વાળી ચિઠ્ઠી છે. અમે અજિત વિરુદ્ધ એક્શન લઈશું. તેમણે કહ્યું કે અજિત પવાર પાસેથી આવી કોઈ અપેક્ષા ક્યારેય નહોતી. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પવારે કહ્યું કે મને કોઈ ચિંતા નથી. મારી સાથે આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. પવારે કહ્યું કે અમારી પાસે નંબર છે, સરકાર અમે જ બનાવીશું. તેમણે કહ્યું કે સરકાર સદનમાં પોતાનો બહુમત સાબિત નહી કરી શકે.

  1. શરદ પવારે કહ્યું કે અજિતે શપથ લીધા તે જાણકારી સવારે જ મળી. અજીત પવાર પાસેથી આવી અપેક્ષા નહોતી. ન તો પાર્ટીના ધારાસભ્યો અને ન તો કાર્યકર્તાઓ આનું સમર્થન કરે છે.
  2. પાર્ટી સાથે અજિત પવારે જે કર્યું છે તેના પર અમે એક્શન લઈશું. પાર્ટીની અનુશાસનાત્મક સમિતિ આ મામલે કાર્યવાહી કરશે.
  3. સદનમાં ભાજપ બહુમતી સાબિત નહી કરી શકે. તેની પાસે નંબર નથી. અમારી પાસે નંબર્સ છે અને અમારું ગઠબંધન પણ યથાવત જ છે.
  4. શરદ પવારે કહ્યું કે હું સખત રીતે ભાજપની વિરુદ્ધ છું. ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિત પવારનો જ હતો, પાર્ટીનો નહી. કોઈપણ ભાજપ સાથે હાથ નહી મિલાવે.
  5. અજિત પાસે 54 ધારાસભ્યોના હસ્તાક્ષર વાળી ચીઠ્ઠી છે. 10 કે 11 ધારાસભ્યો તેમની સાથે ગયા હતા.