આતંકવાદીમાંથી સૈનિક બનેલા શહીદ નજીર વાનીને મળશે અશોક ચક્ર

નવી દિલ્હીઃ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં જોડાયેલા લાંસ નાયક નજીર વાણીને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ વાર એવું બન્યું છે કે જ્યારે આતંકની નાપાક રાહ પરથી પાછા વળેલા દેશના કોઈ જવાનને દેશના આટલા મોટા સન્માનથી નવાજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નજીર વાણીએ વર્ષ 2004માં આત્મસમર્પણ કર્યું હતું. આના થોડા સમય બાદ જ નજીર ભારતીય સેનામાં જોડાયા હતા. ક્યારેક સેના વિરુદ્ધ લડનારા આ બહાદુર જવાન આતંકવાદીઓ સાથે લડીને નવેમ્બર 2018માં પોતાનો જીવ વતનના નામે કુરબાન કર્યો હતો.

હકીકતમાં ગત વર્ષે નવેમ્બરમાં શોપિયાંમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર સુરક્ષા દળોની ટીમ આતંકીને મોતને ઘાટ ઉતારવા પહોંચી હતી. આ દરમિયાન 6 આતંકવાદીઓએ એક ઘરમાં આશરો લીધો હતો. આ ઘરને જવાનોએ ચારે બાજુથી ઘેરી લીધું હતું. આતંકવાદીઓ પર પ્રહાર કરતા નજીર વાનીએ એક આતંકીને ઠાર કર્યો હતો. જ્યારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતા.

આતંકીઓની ગોળીથી જખ્મી થયા છતા પણ નજીર વાનીએ તે ઘરમાં છુપાયેલા આતંકીઓને ભાગવા ન દીધા. લાંસ નાયક નજીક આતંકીઓના ભાગી જવાના રસ્તા પર તેનાત રહ્યા અને એક આતંકીને મોતને ઘાટ ઉતારી દીધો. જો કે આ ઓપરેશનમાં આતંકીઓની ગોળીનું નિશાન બનીને નજીર વાની પણ શહીદ થઈ ગયા.

નજીર વાનીની આ બહાદુરી માટે તેમને અશોક ચક્ર સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે નજીર વાની એક ઉચ્ચકોટીના સૈનિક હતા અને તેમણે હંમેશા પડકારભર્યા મિશનમાં સાહસ દેખાડ્યું છે. આપને જણાવી દઈએ કે નજીર વાનીની વિરતા માટે તેમણે બે વાર સેના મેડલ પણ પ્રાપ્ત થયું છે.

નજીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામના રહેવાસી હતા. નજીરના પરિવારમાં તેમની પત્નિ અને બે બાળકો છે. વર્ષ 2004માં નજીર વાનીએ ટેરિટોરિયલ આર્મીથી સેનામાં પોતાની સેવા શરુ કરી હતી. 2007માં તેમને પહેલું સેના મેડલ અને 2017માં બીજુ સેના મેડલ આપવામાં આવ્યું હતું.