સિદ્ધુનો Uટર્નઃ રાહુલે નહીં ઇમરાને બોલાવ્યો એટલે પાકિસ્તાન ગયો

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના નિવેદન પર યુ ટર્ન લીધો છે. સિદ્ધુએ પોતાના પાકિસ્તાન જવા મામલે પહેલાં નિવેદન આપ્યું હતું કે હું રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાન ગયો હતો. ત્યારે હવે આ મામલે યુ ટર્ન લેતાં ટ્વિટર પર પોતાની સફાઈ આપી છે. સિદ્ધુએ ટ્વિટ પર જણાવ્યું કે તોડમરોડ કરતા પહેલા તથ્ય જાણી લો. રાહુલ ગાંધીએ મને પાકિસ્તાન જવાનું નહોતું કહ્યું. પૂરી દુનિયા જાણે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણ પર હું ત્યાં ગયો હતો.

ઉલ્લેખનીય છે કે એક પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જ મને પાકિસ્તાન મોકલ્યો હતો. સિદ્ધુએ જણાવ્યું હતું કે મારા કેપ્ટન રાહુલ ગાંધી છે. તેમણે જ મને દરેક જગ્યાએ મોકલ્યો છે. સિદ્ધુએ જણાવ્યું કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સિંહે મને પાકિસ્તાન જવા માટે ના પાડી હતી.

પરંતુ આશરે 20 કોંગ્રેસી નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વના કહેવા પર હું પાકિસ્તાન ગયો હતો. પંજાબના મુખ્યપ્રધાન મારા પિતા સમાન છે. હું તેમને પહેલા જ જણાવી ચૂક્યો હતો કે હું પાકિસ્તાન જઈશ. મારા કેપ્ટન રાહુલ ગાંધી છે અને સીએમ સાહેબના કેપ્ટન પણ રાહુલ ગાંધી છે.

આપને જણાવી દઈએ કે કરતારપુર કોરિડોરને લઈને નવજોત સિંહ સિદ્ધુની અત્યાર સુધી વાહ-વાહી થઈ રહી હતી. પરંતુ ગુરુવારના રોજ ખાલિસ્તાની ઉગ્રવાદી અને હાફિઝ સઈદના નજીકના ગણાતા ગોપાલ સિંહ ચાવલાએ સિદ્ધુ સાથે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ત્યાર બાદ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા વિવાદોમાં આવી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]