અજિત ડોભાલ પ્રમોશન સાથે ફરી બન્યાં NSA, કેબિનેટપ્રધાનનો દરજ્જો પણ…

નવી દિલ્હી-  NDAની અગાઉની સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહેલા અજિત ડોભાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડોભાલની ફરીથી આવતા પાંચ વર્ષ માટે NSA તરીકે નિમણૂક કરી દીધી છે. એક્સટેન્શન ઉપરાંત ડોભાલને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને ધ્યાનમાં રાખતા ડોભાલને કેબિનેટ પ્રધાનનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ડોભાલનું કદ હવે એક કેબિનેટ પ્રધાનની બરાબર થશે. ડોભાલની ફરીથી એનએસએ તરીકે નિમણૂંક દર્શાવે છે કે, મોદીની સાથે સાથે નવા ગૃહપ્રધાન અમિત શાહ પણ તેમના કામથી સંતુષ્ટ છે.

કર્મચારી મંત્રાલયના એક આદેશમાં ડોભાલની નિમણૂક અંગેની જાણકારી આપવામાં આવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ ડોભાલને આ પદ પર બીજી વખત નિમણૂક કરવાના સંબંધમાં તેમની મંજૂરી આપી દીધી છે. અને આ વ્યવસ્થા 31 મે 2019થી લાગુ થશે. વડાપ્રધાનના કાર્યકાળની સાથે સાથે તેમની નિમણૂક પણ સમાપ્ત થઈ જશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ પદ પર નિમણૂક દરમિયાન તેમને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામા આવ્યો છે. ડોભાલને પ્રથમ વખત મે 2014માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યાં હતાં. અને તેમને રાજ્યપ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ પહેલાં સોમવારે સવારે દેશના નવા ગૃહપ્રધાન અમિત શાહે એનએસએ અજીત ડોભાલની સાથે બેઠક કરીને આંતરિક સુરક્ષાની વિગતો મેળવી હતી. બેઠકમાં આઇબી ચીફ રાજીવ જૈન, ગૃહ સચીવ રાજીવ ગાવા પણ હાજર હતાં.

ગૃહપ્રધાને દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિથી અવગત કરાયાં હતાં. એક અધિકારીએ કહ્યું કે ગૃહપ્રધાને જમ્મુ-કશ્મીર, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની માહિતી પણ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે અજિત ડોભાલ PM મોદીના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાય છે. અજિત ડોભાલ 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અજીત ડોભાલે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય આઈબી (ઇન્ટેલીજન્સ બ્યૂરો)માં પસાર કર્યો છે. તેઓ પૂર્વ આઈબી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ 6 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યાં. પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેઓ પોલીસ અધિકારી રહ્યાં અને તેમને 1998માં કીર્તિ ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]