સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો બદલ્યો; થિયેટરોમાં હવે રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના ચુકાદાને આજે બદલી નાખતા કહ્યું છે કે દેશભરમાં થિયેટરોમાં ફિલ્મો દર્શાવતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું હવે ફરજિયાત નથી.

ઉલ્લેખનીય છે કે, 2016ના નવેમ્બરમાં તે વખતના દેશના ચીફ જસ્ટિસ મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે ઠેરવ્યું હતું કે થિયેટરોમાં ફિલ્મ બતાડવાનું શરૂ કરવામાં આવે એ પહેલાં રાષ્ટ્રીગીત વગાડવું ફરજિયાત છે. આજે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે તે ચુકાદાને બદલી નાખતો ચુકાદો આપ્યો છે.

કેન્દ્ર સરકારે ગઈ કાલે જ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત હોવું જોઈએ કે નહીં તેનો નિર્ણય લેવા માટે અમે એક આંતર-મંત્રાલય સમિતિની રચના કરી હતી અને એણે એવું સૂચન કર્યું છે કે એ પ્રથાને ફરજિયાત બનાવતા કોર્ટના ચુકાદા અંગે ફેરવિચારણા કરી શકાય.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને વિનંતી કરી હતી કે તે 2016ના પોતાના ચુકાદાને બદલવો જોઈએ.

2016ના કોર્ટના ચુકાદામાં એમ જણાવાયું હતું કે થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત છે અને તે વગાડવાનું શરૂ થાય ત્યારે તમામ દર્શકોએ રાષ્ટ્રગીતના માનમાં સીટ પરથી ઊભા થઈ જવું.