રાષ્ટ્રગાનમાં બદલાવની માગ, ‘સિંધ’ને બદલે જોડવામાં આવે ‘ઉત્તર પૂર્વ’

નવી દિલ્હી- દેશના રાષ્ટ્રગાન માટે દરેક નાગરિકના મનમાં આદર અને સમ્માનની ભાવના હોવી જોઈએ. પરંતુ વર્ષો પહેલા લખવામાં આવેલા રાષ્ટ્રગાન ’જન ગણ મન’માં બદલાવ કરવાની કોંગ્રેસના સાંસદે માગ કરી છે. કોંગ્રેસના સાંસદ રિપુન બોરાએ  આ માટે રાજ્યસભામાં એક પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યું હતું.આસામના રિપુન બોરાએ માગ કરી હતી કે, રાષ્ટ્રગાનમાંથી ‘સિંધ’ શબ્દને દૂર કરવામાં આવે અને તેની જગ્યાએ ‘ઉત્તર પૂર્વ’ શબ્દ ઉમેરવામાં આવે. પોતાના તર્કમાં રિપુન બોરાએ કહ્યું કે, સિંધ પ્રદેશ હવે ભારતનો ભાગ નથી. દેશના વિભાજન બાદ હવે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે. જેથી ભારતના રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દને દૂર કરવો જોઈએ.

વધુમાં રિપુન બોરાએ કહ્યું કે, ‘ઉત્તર પૂર્વ’ ભારતનો ભારતનો મહત્વનો ભૂભાગ છે, તેમ છતાં રાષ્ટ્રગાનમાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી સિંધને બદલે ઉત્તર પૂર્વ શબ્દને રાષ્ટ્રગાનમાં ઉમેરવો જોઈએ.

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં રિપુન બોરાએ કહ્યું કે, રાષ્ટ્રગાન એક સાથે સમગ્ર દેશને સમ્માન આપવાની વાત છે. જ્યારે સંવિધાન સભામાં રાષ્ટ્રગાન પસાર કરવામાં આવ્યું, એ સમયે પૂર્વ રષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગાનમાં સમય સાથે બદલાવની વાત જણાવી હતી. એ ઘટનાનો હવાલો આપીને રિપુન બોરાએ રાષ્ટ્રગાનમાં બદલાવની માગ કરી છે.