ભારતે રશિયા સાથે કરી મિસાઈલ ડીલ, જોતું રહ્યું અમેરિકા

નવી દિલ્હી- અમેરિકા તરફથી આપવામાં આવતી પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારતે આજે રશિયા સાથે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આજે નવી દિલ્હી ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને સંરક્ષણ અને સલામતીના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી.S-400 ડીલ અંતર્ગત ભારત રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના પાંચ સેટ ખરીદશે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ નવી દિલ્હીમાં આ ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને રશિયા વચ્ચે કુલ આઠ કરાર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, બન્ને નેતાઓ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા યોજાઈ હતી.

આ ઉપરાંત અન્ય કેટલાંક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ ભારત અને રશિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેમાં અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સાઈબેરિયા પાસે રશિયાના નોવોસિબિર્ક શહેરમાં એક ઈન્ડિયન મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે.

સંયુક્ત પત્રકાર પરિષદમાં રશિયાના પ્રેસિડેન્ટે જાહેરાત કરી કે, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની ચિંતામાં રશિયા ભારત સાથે સહેમત છે. આતંકવાદ વિરોધી અભ્યાસમાં બન્ને દેશ એકબીજાને મદદ કરશે. ભારતના વિદ્યાર્થીઓ માટે રશિયા સ્કોલરશિપ આપશે. જ્યારે રશિયન પર્યટકોની સંખ્યામાં વધારો થવાથી પણ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે.