વડા પ્રધાન મોદી કેદારનાથ ધામમાં; કાલે બદ્રીનાથ ધામમાં દર્શન કરવા જશે

દેહરાદૂન (ઉત્તરાખંડ) – લોકસભા ચૂંટણી-2019ના પ્રચારપડઘમ ગઈ કાલે શાંત પડી ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા પર આવ્યા છે. ભગવાન શંકરની શરણમાં આવેલા મોદી આજે સવારે 9.15 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા હતા. એમના હેલિકોપ્ટરે ખાસ બાંધવામાં આવેલા હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું.

મોદી બે દિવસ માટે આ બે પ્રસિદ્ધ યાત્રાધામની મુલાકાતે આવ્યા છે. આજે કેદારનાથમાં દર્શન કર્યા અને વિશેષ પૂજા કરી છે. આજે તેઓ ગુફામાં ધ્યાનમાં બેસશે અને રાતવાસો પણ કેદારનાથમાં જ કરશે. આવતીકાલે એ બદ્રીનાથ ધામ જશે. રવિવારે બપોરે જ એ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી પાછા ફરશે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ કેદારનાથ ખાતે આ તેમની ચોથી મુલાકાત છે. સૌથી પહેલાં, 2017ના મે મહિનામાં એ કેદારનાથ આવ્યા હતા. ત્યારબાદ એ જ વર્ષના ઓક્ટોબરમાં પણ આવ્યા હતા. ત્રીજી વાર એ ગયા વર્ષના નવેંબરમાં કેદારનાથ બાબાનાં દર્શન કરવા આવ્યા હતા. એ વખતે મંદિરનાં દ્વાર બંધ કરાય એ પૂર્વે તેઓ દર્શન કરવા આવ્યા હતા.

વડા પ્રધાન મોદી કેદારનાથ ધામનું પુનનિર્માણ કરાવી રહ્યા છે.

હાલ કેદારનાથમાં હવામાન સખત ઠંડું છે. થોડી થોડી વાર રહીને હિમવર્ષા થઈ રહી છે. મંદિરની ચારેબાજુ પહાડો પર બરફ છવાયેલો છે.

ગઈ 9 મેએ કેદારનાથ મંદિરનાં દ્વાર ભક્તો-દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]