કોંગ્રેસ પાર્ટીએ પોતે જ ‘કોંગ્રેસ-મુક્ત’ થવાની જરૂર છેઃ વડા પ્રધાન મોદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના રાજકારણના ઘડતરમાં તેમજ દેશમાં તમામ રાજકીય પક્ષોની સંસ્કૃતિના ઘડતરમાં કોંગ્રેસ પાર્ટી મુખ્ય સ્તંભ રહી છે.

‘ટાઈમ્સ નાઉ’ ચેનલને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘કોંગ્રેસ-મુક્ત ભારત’નું મારું જે સૂત્ર છે, એનો અર્થ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો નથી. કોંગ્રેસ પાર્ટી તો આપણા દેશના રાજકારણનો મુખ્ય સ્તંભ રહી છે. દેશના તમામ પક્ષોમાં સંસ્કાર-સંસ્કૃતિના સિંચનમાં એનો જ પ્રભાવ રહ્યો છે. કોંગ્રેસ-મુક્ત ભારતનો મતલબ કોંગ્રેસની સંસ્કૃતિથી ભારતને મુક્ત કરાવવાનો છે.

‘ટાઈમ્સ નાઉ’ના વડા તંત્રી રાહુલ શિવશંકર અને મેનેજિંગ તંત્રી નાવિકા કુમારને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું કે ભારતની આઝાદીની ચળવળના વખતમાં કોંગ્રેસે લોકોને એટલી બધી પ્રેરણા આપી હતી કે લોકો દેશ માટે પોતાનો જાન ન્યોચ્છાવર કરી દેવા તૈયાર થઈ જતા હતા, પરંતુ આઝાદી મળી ગયા બાદ એ જ પાર્ટીએ સત્તા પર અંકુશ જાળવી રાખવા માટે જાતિવાદ, વંશવાદ અને ભ્રષ્ટાચાર જેવા અવગુણો, ખોટા માર્ગોનો આશરો લીધો હતો.

મોદીએ વધુમાં કહ્યું કે, હું દેશમાં રાજકારણની સંસ્કૃતિ બદલી નાખવા માગું છું. રાજકારણની મુખ્ય વિચારસરણીમાં વંશવાદ રહ્યો છે. એમાં કોંગ્રેસ અગ્રસ્થાને છે. મારી તો ઈચ્છા છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાને જ કોંગ્રેસના કલ્ચરથી મુક્ત કરવાની જરૂર છે.

આઝાદીની ચળવળ વખતે કોંગ્રેસનું એક કલ્ચર રહ્યું હતું, જેણે યુવા વ્યક્તિઓને દેશ માટે પોતાના જાનનું બલિદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા, પણ આઝાદી મળી ગયા બાદ એ જ પાર્ટીએ પોતાના કલ્ચરનો પ્રભાવ બીજા રાજકીય પક્ષો પર પાડવાનું શરૂ કરી દીધું હતું. સત્તા પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખવા માટે એણે જાતિવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર અને શોષણ, છેતરપિંડી જેવા અવગુણ અપનાવ્યા. આગળ જતાં એ જ ભારતની રાજકીય સંસ્કૃતિનો ભાગ બની ગયા. આમ, કોંગ્રેસ પાર્ટી જ એ કલ્ચરનો મુખ્ય સ્તંભ છે, એમ વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું.

મુલાકાતમાં મોદીએ દેશની તિજોરી પરનો આર્થિક બોજો દૂર થાય એ માટે લોકસભા અને વિધાનસભાઓ, બંનેની ચૂંટણીઓ સાથે જ યોજવાના વિચાર પર ભાર મૂક્યો હતો.

વડા પ્રધાન નોટબંધી વિશે શું બોલ્યા?

વડા પ્રધાન મોદીએ એમના નોટબંધી નિર્ણય વિશે કહ્યું કે, એ નિર્ણય માત્ર કરન્સીમાં ફેરફાર માટેનો જ નહોતો, એને કારણે આપણી કરન્સી પ્રતિ દુનિયાના દેશોનો આદર વધ્યો છે. કેટલાક લોકોએ ભ્રષ્ટાચારી લોકોને બચાવવા માટે નોટબંધીનો વિરોધ કર્યો હતો, પણ સદ્દભાગ્યે દેશ એ તબક્કામાંથી સફળતાપૂર્વક પાર થઈ શક્યો.