વડાપ્રધાન મોદીનો કાશી પ્રવાસ, ભાજપના રાષ્ટ્રીય સદસ્યતા ઝુંબેશની શરુઆત કરી…

કાશીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીના પ્રવાસે છે. વડાપ્રધાન તરીકે બીજીવાર શપથ લીધા બાદ તેમનો આ પ્રથમ કાશી પ્રવાસ છે. આજે વડાપ્રધાને કાશી પહોંચતા જ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું.

ત્યારબાદ તેમણે વૃક્ષારોપણ ઝુંબેશની શરુઆત કરી. વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય સદસ્યતા ઝુંબેશની શરુઆત પણ કરાવી. આ દરમિયાન વડાપ્રધાને બીજેપી વર્કર્સને સંબોધિત કરતા ગઈકાલે રજુ થયેલા બજેટના વિઝનને પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે દેશમાં હવે 5 ટ્રિલિયન ડોલર વાળી અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય ઝુંબેશની શરુઆત કર્યા બાદ અહીંયા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું. શાયરાના અંદાજમાં કાર્યકર્તાઓ સામે વડાપ્રધાને પોતાની વાત મુકી. વડાપ્રધાને કહ્યું કે ગઈકાલે બજેટમાં આપે એકવાત સાંભળી હશે. એક શબ્દ ગુંજી રહ્યો છે કે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી. ચારેબાજુ આની જ ચર્ચા છે. દેશહિતમાં એ જરુરી છે કે તમે બજેટના આ ભાગને સમજો અને બીજાને સમજાવો. આવું એટલા માટે કારણ કે કેટલાક લોકો આપણા સામર્થ્ય પર શંકા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ ભારત માટે અઘરુ લક્ષ્ય છે. પણ હું જનતાને કહેવા માંગુ છું કે બધું જ શક્ય છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન સાથે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા અને યોગી આદિત્યનાથ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.

લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ વડાપ્રધાને હરહુઆ સ્થિત પ્રાથમિક વિદ્યાલય કેમ્પ પંચકોશી માર્ગ પર એક પીપળાનું વૃક્ષ લગાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો. આ સાથે જ યૂપીમાં વૃક્ષારોપણ ઝુંબેશની શરુઆત થઈ ગઈ છે. આ ઝુંબેશ અંતર્ગત યૂપીમાં 22 કરોડ વૃક્ષો લગાવવામાં આવશે.