રાહુલ ગાંધીનો આરોપઃ પીએમ મોદીની ‘નમો’ એપનાં યૂઝર્સની ડેટા લીક કરાઈ છે

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એવો આરોપ મૂક્યો છે કે મોદીની સત્તાવાર મોબાઈલ એપ (NaMo app) પરથી યૂઝર્સની વિગતો અમેરિકાની કંપનીઓને લીક કરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો છે. ટ્વીટમાં લખ્યું છે, ‘હાઈ! મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડા પ્રધાન છું. તમે જ્યારે મારી સત્તાવાર એપ પર સાઈન અપ કરશો ત્યારે હું તમારી તમામ ડેટા અમેરિકાની કંપનીઓમાં રહેલા મારા મિત્રોને આપીશ.’

રાહુલે આમ કહેવા સાથે એક અખબારી અહેવાલનો ઉલ્લેખ કર્યો છે જે અહેવાલમાં એક ફ્રેન્ચ જાગરૂક હેકરે અનેક ટ્વીટમાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદીની મોબાઈલ એપના યૂઝર્સનાં ઈમેઈલ આઈડી, તસવીરો, લિંગ વિગત તેમજ નામો યૂઝર્સની સંમત્તિ વગર કોઈક થર્ડ પાર્ટી ડોમેઈનને મોકલવામાં આવી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલે ભારતના પ્રચારમાધ્યમો પર પણ એવો આરોપ મૂક્યો છે કે તેઓ હંમેશા કરતા આવ્યા છે તેમ, આ મહત્વની બાબતને પણ દફનાવી રહ્યા છે.

રાહુલનો આ આક્ષેપ ભાજપના આક્ષેપના અમુક દિવસ બાદ આવ્યો છે. ભાજપે એવો આરોપ મૂક્યો છે કે કોંગ્રેસ પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પોલિટીકલ ડેટા એનાલિટિક્સ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાને રોકીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા અમેરિકામાં સોશિયલ મીડિયા (ફેસબુક) ડેટા લીક કરવાના કૌભાંડમાં સંડોવાઈ છે.