રાહુલ ગાંધીને નથી મળતી લોન કે નથી મળતું પોતાના નામે સિમ કાર્ડ

ઇન્દોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સૌ કોઈ ઓળખતા જ હશે. પરંતુ શું તમને ખબર છે દેશમાં અન્ય એક રાહુલ ગાંધી પણ છે જે ધંધો કરવા માટે લોન લેવા માગે છે અને તેમના તેમણે અનેક બેંકોના ધક્કા પણ ખાધાં છે પણ અંતે માત્ર નિરાશા જ હાથ લાગી છે. એટલું જ નહીં દેશની કોઈ ટેલિકોમ કંપની આ રાહુલ ગાંધીને સિમ કાર્ડ આપવા પણ તૈયાર નથી.

વાત છે અહીં ઈન્દોરના અખંડનગરમાં રહેતા એક યુવક રાહુલ ગાંધીની જેને ગાંધી અટક હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  તેમને મોબાઈલ સહિત કોઈ પણ વસ્તુની ખરીદી પર કોઈ પણ વેપારી રાહુલ ગાંધી નામ હોવાને કારણે બિલ નથી આપતાં. તેમણે સિમ કાર્ડ પણ તેમના ભાઈના નામ પર લેવું પડ્યું છે.

રાહુલ ગાંધી નામ હોવાને કારણે અનેક વખત લોકો આ યુવકની મજાક પણ ઉડાવે છે અને તેમની સરખામણી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે કરતાં પૂછે છે કે, ક્યાંક નકલી આઈડી તો નથી બનાવ્યું ને. રાહુલ જ્યારે એક વખત લોન લેવા માટે બેંકમાં ફોન કર્યો અને તેમનું પૂરુ નામ રાહુલ ગાંધી જણાવ્યું તો કર્મચારીએ મજાકમાં તેમને પૂછી લીધું કે, રાહુલ ગાંધી દિલ્હી છોડીને ઈન્દોરમાં કયારે શિફ્ટ થઈ ગયાં અને ફોન કાપી નાખ્યો.

આ મુશ્કેલીઓથી પરેશાન થઈને હવે રાહુલ ગાંધીએ તેમના નામની આગળ ગાંધીની બદલે માલવીય અટક લગાવવાનું શરુ કરી દીધું છે, જેથી લોકો તેમની મજાક ન ઉડાવી શકે અને જરૂરી દસ્તાવેજો બનાવવામાં પણ કોઈ મુશ્કેલી ન પડે. રાહુલ જે જ્ઞાતિમાંથી આવે છે તેમાં મોટાભાગના લોકો તેમના નામની આગળ માલવીય અટક પણ લગાવે છે. રાહુલે જણાવ્યું કે, હવે તે તેમના તમામ દસ્તાવેજોમાંથી ગાંધી અટક હટાવી રહ્યાં છે, જેથી તેમને આગળ જતાં ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં કોઈ મુશ્કેલી ન આવે.