મુસલમાન મૌલાનાનું માને છે, નહીં કે મોદીજીનું: AIMPLB

નવી દિલ્હી- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પુરુષ અભિભાવક વિના મુસ્લિમ મહિલાઓના હજયાત્રા પર જવાના નિવેદનનો વિરોધ કર્યો છે. AIMPLBના સેક્રેટરી મૌલાના અબ્દુલ હામિદ અઝહરીએ જણાવ્યું કે, આ ધાર્મિક મુદ્દો છે. કોઈ એવો મુદ્દો નથી જેને સંસદમાં રજૂ કરીને તેના ઉપર કાયદો બનાવી શકાય.

પીએમ મોદીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં મૌલાના અબ્દુલ હામિદ અઝહરીએ કહ્યું કે, 99 ટકા લોકો અને મુસલમાન તેના ધર્મનું એવી રીતે જ પાલન કરે છે, જે રીતે તેના ધર્મગુરુઓ કહે છે. નહીં કે પીએમ મોદીજીના કહેવા પ્રમાણે અથવા અન્ય કોઈના કહેવા પ્રમાણે. અઝહરીએ કહ્યું કે, એક મુસ્લિમ મહિલા પુરુષ સાથી વિના ત્રણ દિવસ અથવા 78 માઈલથી વધુની મુસાફરી કરી શકતી નથી. પછી તે હજયાત્રા હોય કે અન્ય કોઈ જગ્યા.

આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ વર્ષ 2017ના તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના સંસ્કરણમાં જણાવ્યું હતું કે, ‘મેં જોયું છે કે, જો કોઈ મુસ્લિમ મહિલા હજયાત્રા પર જવા ઈચ્છે છે, તો પણ તે પુરુષ અભિભાવક સાથે નહીં હોવાને કારણે હજ પર જઈ શકતી નથી. આ અંગે તપાસ કરતાં માલુમ પડ્યું કે, એ આપણી જ સમાજ વ્યવસ્થાના લોકો છે, જેણે મહિલાઓના એકલા હજ પર જવા અંગે રોક લગાવી છે’.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આ નિયમનું અનેક મુસ્લિમ દેશોમાં પાલન કરવામાં આવતું નથી. પીએમ મોદીએ કહ્યું કે, લઘુમતિ સમુદાયના મંત્રાલયે આ નિયમ હટાવી લીધો છે. હવેથી મુસ્લિમ મહિલાઓને પુરુષ અભિભાવક સાથે નહીં હોય તો પણ હજ કરવા જવાની પરવાનગી આપવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1300 મહિલાઓ પુરુષ અભિભાવક વિના હજ કરવા અરજી કરી ચુકી છે. વડાપ્રધાને કહ્યું કે, મહિલાઓને પણ પુરુષોની જેમ સમાન અવસર મળવા જોઈએ.

આ તરફ મહિલા અધિકારો માટે કામ કરી રહેલી સુધા રામલિંગમે કહ્યું કે, પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી ઘોષણા વર્તમાન કાયદામાં કોઈ જ બદલાવ કરતી નથી. સાઉદી અરબના કાયદાનું ઉદાહરણ આપતા સુધા રામલિંગમે કહ્યું કે, સાઉદી અરબમાં 45 વર્ષથી ઉપરની મહિલાઓ એકલી હજ પર જઈ શકે છે. જોકે તેમણે ગ્રુપમાં હોવું જરુરી છે. ઉપરાંત તેમણે પોતાના પુરુષ અભિભાવક પાસેથી પરવાનગી પત્ર લાવવો જરુરી છે. અનેક મહિલા સંગઠનોએ પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી આ ઘોષણાનું સ્વાગત કર્યું છે.