મુસ્લિમ સમુદાયે મમતા સરકાર સામે મોરચો ખોલ્યો, ઈમામોને સ્ટાઈપેન્ડ આપવા માગ

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં દુર્ગા પંડાલોને રુપિયા 28 કરોડની ગ્રાન્ટની જાહેરાત કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીને મુસ્લિમ સમુદાયના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.ગતરોજ કોલકાતામાં મુસ્લિમ સમુદાયના લોકોએ મમતા બેનરજી પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો અને રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતરી પડ્યા હતા. ઓલ ઈન્ડિયા યુથ માઈનોરિટી ફોરમના મોહમ્મદ કુમ્રજ્જમાને કહ્યું કે, જે રીતે મમતા બેનરજી સરકારે દુર્ગા પંડાલોને રુપિયા 28 કરોડની ગ્રાન્ટ આપી છે તેવી રીતે ઈમામ અને મુઅજ્જિનોનું સ્ટાઈપેન્ડ પણ વધારવામાં આવે.

તેમનું કહેવું છે કે, મમતા સરકાર બીજેપીની લાઈન પર ચાલી રહી છે. પૈસાના મામલે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. જેથી દુર્ગા પંડાલોને ગ્રાન્ટ આપતા પહેલાં ઈમામોનું સ્ટાઈપેન્ડ વધારીને પાંચ હજાર રુપિયા કરવામાં આવે.

આપને જણાવી દઈએ કે, મમતા બેનરજી સરકાર વિરુદ્ધ રેલી કરનારું ‘ઓલ ઈન્ડિયા યૂથ માઈનોરિટી ફોરમ’ તૃણમૂલ કોંગ્રેસનું નજીકનું સંગઠન માનવામાં આવે છે. હવે મુસ્લિમ સમુદાય દ્વારા ઈમામોનું સ્ટાઈપેન્ડ વધારવાની માગણી પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાન સર્જી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]