18 જુલાઈથી શરુ થશે સંસદનું ચોમાસું સત્ર, પડતર બિલ પર સરકારની નજર

નવી દિલ્હી- સંસદનું ચોમાસું સત્ર આ વખતે 18 જુલાઈથી શરુ થશે અને 10 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંસદીય સમિતિની બેઠકમાં આ ભલામણ કરવામાં આવી હતી. હવે રાષ્ટ્રપતિ આ અંગે સત્તાવાર રીતે સત્ર બોલાવશે. સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વખતના ચોમાસું સત્રમાં લગભગ 18 દિવસ કામકાજના રહેશે.આ વખતના ચોમાસું સત્રમાં સરકારનો પ્રયાસ કેટલાક મહત્વના પડતર ખરડાઓ પર રહેશે. જેને પસાર કરાવવા સરકારની પ્રાથમિકતા હશે. બીજી તરફ આગામી વર્ષે દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારને ઘેરવા દરેક વિપક્ષ પણ પુરી તૈયારી સાથે પ્રયાસ કરશે. આ સત્રમાં કામકાજના કુલ 18 દિવસ હશે. જેમાં OBC માટે રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપવાનું બિલ અને ત્રણ તલાક જેવા બિલ પર દેશની નજર રહેશે.

આ પહેલાનું સંસદનું બજેટ સત્ર હંગામેદાર રહ્યું હતું. અને સંસદની કાર્યવાહી યોગ્ય રીતે થઈ શકી નહતી. બજેટ સત્રમાં હંગામાને કારણે અનેક ખરડા પસાર થઈ શક્યા નહતા. ઈંધણની વધી રહેલી કીમતો, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો જેવા અનેક મુદ્દે વિપક્ષોએ જોરદાર હંગામો કર્યો હતો અને સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, સંસદના બજેટ સત્ર દરમિયાન TDP અને YSR કોંગ્રેસ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ઈચ્છતા હતા. જોકે, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સંસદમાં સતત ચાલી રહેલા હંગામાનો તર્ક રજૂ કરીને તેમના અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]