રાકેશ અસ્થાના પર 2 કરોડની લાંચના આરોપથી CBIમાં ભૂકંપ જેવી સ્થિતિ

નવી દિલ્હી- CBIના ડિરેક્ટર આલોક વર્મા અને ત્યારબાદના નંબર ટૂ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચેના આંતરકલહમાં નવો વળાંક આવ્યો છે. ખુદ CBIએ રાકેશ અસ્થાના સામે બે કરોડની લાંચ લીધાના આરોપની ફરિયાદ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.જોકે, રાકેશ અસ્થાનાએ પોતાને ખોટા કેસમાં ફસાવવામાં આવશે તેવી આશંકા સાથે અગાઉથી જ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં રાકેશ અસ્થાનાએ CBIના વડા આલોક વર્મા પર લાંચ લેવાના તેમજ અન્ય સંવેદનશીલ કેસ રફેદફે કરવાના આરોપ લગાવ્યા હતા.

જોકે, CBIએ રાકેશ અસ્થાનાના આરોપ ખોટા હોવાની સ્પષ્ટતા કરતાં બન્ને અધિકારીઓ વચ્ચેનું આંતરિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યાની વાત કરી છે. CBIમાં નંબર-ટૂનો હોદો ધરાવતાં રાકેશ અસ્થાના સામે હૈદરાબાદના બિઝનેસમેન સતીશ સનાની ફરિયાદ બાદ કેસ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના વેપારી સતીશ સનાની સામે અન્ય એક વેપારી મોઇન કુરેશી સંબંધિત મની લોન્ડરિંગની પણ તપાસ ચાલી રહી છે. CBIને આપેલા નિવેદનમાં સતીશ સનાએ જણાવ્યું કે, તેણે રાકેશ અસ્થાનાને રુપિયા બે કરોડની લાંચ આપી હતી. આ રુપિયા ડિસેમ્બર-2017થી 10 મહિનાના ગાળામાં થોડા થોડા સમયે આપવામાં આવ્યા હતા. CBI વારંવાર નોટિસ મોકલી હેરાનગતિ કરે નહીં તે માટે પોતે આ લાંચ આપી હોવાનું સતીષ સનાએ જણાવ્યું હતું.

સતીશ સનાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજ પ્રસાદે તેને ખાતરી આપી હતી કે, જો તે રુપિયા પાંચ કરોડ ચુકવશે તો CBIના સમન્સમાંથી તેને રાહત મળી જશે. આ બાબતનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

જોકે, CBIની ફરિયાદમાં સતીષ સના અને મનોજ પ્રસાદના ફોન કોલ અને વ્હોટસએપ મેસેજ પર જ મુખ્ય આધાર રાખવામાં આવ્યો છે. સમગ્ર ફરિયાદમાં ક્યાંય પણ સતીષ સના અને રાકેશ અસ્થાના રુબરુ મળ્યા હોવાની કે રાકેશ અસ્થાનાએ જાતે લાંચ સ્વીકારી હોવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]