આવા ‘અપરિપક્વ’ નેતાને દેશ વડા પ્રધાન તરીકે સ્વીકારશે ખરો? મોદીનો સવાલ

બેંગારપેટ (કર્ણાટક) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતે વડા પ્રધાન બનવા ઈચ્છે છે એવું જાહેરમાં નિવેદન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલની ઠેકડી ઉડાવી છે અને એવું આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે શું દેશ આવા ‘અપરિપક્વ’ અને ‘નામદાર’ (રાજવંશ) નેતાનો આ પદ માટે ક્યારેય સ્વીકાર કરશે ખરો?

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંત લાવવા માટે હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે અહીં એક ચૂંટણી સભામાં વડા પ્રધાન મોદીએ ગાંધી પરિવારની ટીકા કરતાં કહ્યું કે, એ (રાહુલ ગાંધી) એવું માને છે કે વડા પ્રધાનની ખુરશી એક પરિવાર માટે જ અનામત રાખવામાં આવી છે અને એની પર બીજું કોઈ બેસી શકે નહીં. એ એવું સમજે છે કે આ એમનો પૈતૃક હક છે.

મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પ્રમુખને એમની પાર્ટી, પાર્ટીના વારસા, વરિષ્ઠ નેતાઓ કે દેશની કંઈ પડી નથી. એમને દિવસ-રાત, સૂતા-બેસતાં માત્ર વડા પ્રધાનની ખુરશીનો જ વિચાર આવે છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં એમ કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં જો કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે વિજેતા બને તો પોતે વડા પ્રધાન બનવા તૈયાર છે. આમ, એમણે વડા પ્રધાન પદ માટે પોતાની મહત્વાકાંક્ષા જાહેર કરી દીધી છે.

મોદીએ આજે રાહુલની ટીકા કરતાં કહ્યું કે, નામદારને એમના સાથી ભાગીદાર પક્ષોમાં વિશ્વાસ નથી… જેમને કોંગ્રેસની આંતરિક લોકશાહીની પરવા નથી, જેમનો ઘમંડ આસમાને ચડી ગયો છે અને જે પોતાને ઘોષિત કરે છે કે 2019માં પોતે વડા પ્રધાન બનશે.. પણ શું ખરેખર દેશ આવા અપરિપક્વ નામદાર નેતાને વડા પ્રધાન તરીકે સ્વીકારશે ખરો?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]