કશ્મીરી પંડિતોના ઘાટીમાં પુનર્વસન માટે કેન્દ્ર પર આરએસએસનું દબાણ

નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપી છે કે, તે કશ્મીરી પંડિતો માટે કન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરમાં અલગથી કોલોની બનાવે. આરએસએસ એ માગ કરી છે કે, કશ્મીરી પંડિતોને તેમની સંપત્તિ પણ પરત આપવામાં આવે. ધ પ્રિન્ટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ આરએસએસ ની સલાહ એ “વિશલિસ્ટ”નો જ ભાગ છે જે હાલમાં જ કશ્મીરી પંડિતો તરફથી આરએસએસ એ મોદી સરકારને મોકલી છે.

આરએસએસ ના એક સિનિયર નેતાએ જણાવ્યું કે, કશ્મીરી પંડિતોનો કડકમાં કડક સુરક્ષા સાથે પુનર્વસન થવુ જોઈએ. એને બે મંજિલા કોલોનીમાં એકસાથે શિફ્ટ કરવા જોઈએ. આ કરતા પહેલા સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. આ સાથે જ તેમને રોજગારની સમાન તકો પણ મળવી જોઈએ.

મહત્વનું છે કે, જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરાયા બાદ કશ્મીરી પંડિતોને તેમના હક્ક પરત મળશે તેવી સરકાર પાસેથી આશા છે. તેઓને આશા છે કે, તેમના પુનર્વસન માટે સરકાર ટુંક સમયમાં જ પગલા લેશે. આ કડીમાં હવે આરએસએસ પણ સરકાર પણ દબાણ બનાવી રહી છે કે, કશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી થવી જોઈએ.


ગયા મહિને નાગપુરમાં આરએસએસ ચીફ મોહન ભાગવતે કશ્મીરી પંડિતોના પુનર્વસનના મુદ્દા પર તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે નાગપુરમાં એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીરમાં હિન્દૂ શરણાર્થીઓને રાજ્ય નાગરિકતા અધિકાર મળવા જોઈએ અને આતંકવાદને કારણે ઘાટી છોડવા પર મજબૂર થયેલા કશ્મીરી પંડિતોનું પુનર્વસન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1989માં ઘાટીમાં ચરમપંથીના ઉભાર સાથે જ કશ્મીરી પંડિતો પર હુમલાઓ શરુ થઈ ગયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં કશ્મીરી પંડિતો ઘાટી છોડી પલાયન કરી ગયા હતા. આ સંખ્યા લગભગ 2થી 3 લાખ જેટલી હોવાનું કહેવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]