10 લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ પર વિચારણા…

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે તણાવ વધવાની વચ્ચે ભારત સરકાર સેનાને મજબૂત બનાવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. આ અંતર્ગત ડિફેન્સ મિનિસ્ટ્રી મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતીય સેના માટે 10 લાખ મલ્ટી હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. આ સોદો આશરે 500 કરોડ રુપિયાનો હોઈ શકે છે.

અધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિફેન્સ મિનિસ્ટ્રીની એક હાઈ લેવલ મીટિંગ થવા જઈ રહી છે. જેમાં એક ભારતીય કંપની પાસેથી 10 લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદવા પર વિચાર કરવામાં આવશે. 500 કરોડ રુપિયાથી વધારેનો આ પ્રસ્તાવ સેનાની તાકાતની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે.

સરકાર આ પહેલા પણ સેનાના જવાનો માટે આધુનિક રાઈફલ્સ ખરીદવા માટે બે કોન્ટ્રાક્ટ કરી ચૂકી છે, આમાં એક અમેરિકી કંપની સાથે 700 કરોડ રુપિયામાં આશરે 75,000 એસઆઈજી સાઉસ અસોલ્ટ રાઈફલ્સ ખરીદવામાં આવશે. આ સીવાય 7.50 લાખ આધુનિક એકે-203 અસોલ્ટ રાઈફલ્સના નિર્માણ માટે રશિયા સાથે જોઈન્ટ વેન્ચર પણ બનાવવામાં આવ્યું છે.