ઉજજ્વલા યોજનામાં ફેરફારઃ બધાં રેશનકાર્ડ ધારકોને ફ્રી કનેક્શન મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઉજજ્વલા યોજનામાં વ્યાપક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશના તમામ રેશનકાર્ડ ધારક ઉજજ્વલા યોજનાનો લાભ લઈ શકશે. મોદી સરકાર આ સપ્તાહે આ મામલે જાહેરાત કરી શકે છે. આ યોજના અંતર્ગત લાભાર્થિઓને એલપીજીનું મફત કનેક્શન આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો રેશન અને આધાર કાર્ડ ધારકોને આ મામલે ઘોષણાપત્ર આપવું પડશે કે તે ગરીબ છે. દેશમાં 9.27 કરોડ રેશન કાર્ડધારક છે.

સંશોધિત યોજનાથી એક કરોડથી વધારે લોકો ઉજજ્વલા યોજનાનો ભાગ બની શકશે. મોદી સરકારે સ્વચ્છ ઈંધણને વેગ આપવાની નીતિ અંતર્ગત મે 2016માં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની શરુઆત કરી હતી. આ અંતર્ગત 5 કરોડ યોગ્ય મહિલાઓને મફતમાં એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ઉજ્વલા યોજનાની સફળતાને જોતા કેન્દ્ર સરકારે યોજનાને સંશોધિત કરવાનો નિર્ણય કર્યો. હવે તમામ રેશન કાર્ડ ધારકોને પણ ઉજ્વલા યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઈએ કે શરુઆતમાં સામાજિક-આર્થિક જાતિ જનગણના 2011 અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

ફાઈલ ચિત્ર

યોજના સફળ રહેવા પર અનુસૂચિત જાતિ/જનજાતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને અંત્યોદય અન્ન યોજના લાભાર્થી, વન મજદૂર, અત્યંત પછાત વર્ગ, અને દ્રિપો પર રહેનારા લોકોને પણ ઉજજ્વલા યોજનામાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉજ્વલા યોજના અંતર્ગત અત્યાર સુધી 5.8 કરોડ લાભાર્થીઓને મફતમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યું છે. આમાંથી 3.8 કરોડ લોકો સામાજિક-આર્થિક રુપે કમજોર શ્રેણીમાંથી છે. બાકી લાભાર્થી અન્ય શ્રેણીમાંથી છે. છેલ્લા કેટલાક દિવસમાં આ યોજના અંતર્ગત લાભ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આવામાં સરકારે આને તમામ ગરીબ પરિવારો માટે ખોલવાનો નિર્ણય કર્યો છે.

આશરે 6 કરોડ હાઉસડોલ્ડ મફત એલપીજી કનેક્શન આપ્યા બાદ કેન્દ્ર સરકારે વર્ષ 2020 સુધી 8 કરોડ લોકોને આ યોજના સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. આપને જણાવી દઈએ કે શરુઆતમાં આ યોજના માટે 8 હજાર કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. યોજનાની સફળતાથી ઉત્સાહિત મોદી સરકારે ગત બજેટમાં આ યોજના માટે 4800 કરોડ રુપિયા ફાળવ્યા હતા. આઠ કરોડના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉજ્વલા યોજનાના વર્તુળને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હવે રેશન કાર્ડ ધારકોને પણ ઉજજ્વલા યોજના અંતર્ગત મફત એલપીજી કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.