મિશન 2019: ત્રણ દાયકાથી પોતાની જ રુપરેખામાં ફસાયો છે ત્રીજો મોરચો

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ત્રીજા મોરચાની કવાયત ફરી એકવાર શરુ થઈ ગઈ છે. આ વખતે તેલંગાણાના સીએમ કે.સી. રાવે ત્રીજા મોરચાને સક્રિય કરવા પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ત્રીજા મોરચાને સ્થાયી રુપ આપવાના પ્રયાસોમાં લાગી ગયા છે. દિલ્હી આવેલા મમતા બેનર્જી આ માટે સતત રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે.આપને જણાવી દઈએ કે, ત્રીજો મોરચો બનાવવાની કવાયત દેશના રાજકારણમાં આશરે ત્રણ દાયકાઓથી ચાલી રહી છે. પરંતુ આ કવાયતમાં લાગેલા દરેક નેતાઓમાં “વડાપ્રધાન તો હું જ બનીશ”ની સ્પર્ધાને કારણે ત્રીજા મોરચાને ક્યારેય વાસ્તવિક નથી બનવા દીધો. તેમ છતાં લોકસભાની 2019ની ચૂંટણી માટે વધુ એકવાર ત્રીજો મોરચો બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ત્રીજા મોરચાની દુર્દશા

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી પહેલાં પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાએ અનેક રાજકીય પક્ષોને સાથે રાખીને ત્રીજો મોરચો બનાવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નહતી. 2009ની ચૂંટણી પહેલાં વામ મોરચો, બસપા, બીજેડી, ટીડીપી, અન્નાદ્રમુક, જેડીએસ સહિત અન્ય પક્ષો સાથે તો આવ્યા હતાં. પણ પરિણામ એ રહ્યું કે, આંતરિક મતભેદને કારણે ચૂંટણી પહેલાં જ મોરચાના સદસ્યોની સંખ્યા 102 માંથી ઘટીને 80 રહી હતી.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા પણ ત્રીજા મોરચાની કવાયતે જોર પકડ્યું હતું. જેમાં વામપંથી દળની સાથે સપા, જેડીયૂ, અન્નાદ્રમુક, જેડીએસ, ઝારખંડ વિકાસ મોર્ચા, અસમ ગણપરિષદ અને બીજેડી શામેલ થયા હતા. જોકે દર વખતની જેમ આ વખતે પણ ત્રીજો મોરચો નિષ્ફળ પુરવાર થયો હતો. હવે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એકવાર ત્રીજા મોરચાની સળવળાહટ થઈ રહી છે.