ગુમ AN-32 વિમાનની ભાળ મળી, ક્રૂ સહિત 13 વ્યક્તિની શોધખોળ જારી

0
1446

નવી દિલ્હી- ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN 32 વિમાનના કેટલાક અંશો મળી આવ્યાં છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર વિમાનના કેટલાક ભાગના ટુકડા અરુણાચલ પ્રદેશના લિપો શહેરના ઉત્તર ભાગમાંથી મળી આવ્યા છે. જે જગ્યા પરથી વિમાને ઉડાન ભરી હતી તેનાથી 15- 20 કિલોમીટર દૂર ઉત્તરમાંથી આ કાટમાળ મળી આવ્યો છે. જમીનથી 12 હજાર ફૂટની ઉંચાઈ પરથી વિમાનના ટુકડા મળી આવ્યા છે. વિમાનના અન્ય પાર્ટ્સની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ વિમાન 3 જૂનનાં રોજ આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને જે બાદ ગુમ થઈ ગયું હતું. આ વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા.

ખરાબ હવામાન હોવા છતાં ભારતીય વાયુસેનાનું કેરિયર વિમાન AN 32ની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગત બુધવારે વાયુસેનાએ આ વિમાનની શોધખોળ માટે એસયૂ 30 જેટ ફાઈટર પ્લેન, સી 130જે, એમઆઈ 17 અને એએલએચ હેલીકોપ્ટરની મદદ લીધી હતી.

વાયુસેના તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યાંથી IAF MI 17 હેલિકોપ્ટર દ્વારા ગૂમ થયેલા AN 32ના કાટમાળને આજે 16 કિલોમીટર ઉત્તરમાં લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈ પર જોવા મળ્યું હતું.

ભારતીય વાયુસેનાએ વિમાન એએન 32ને લઈને ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે, ગૂમ થયેલા એએન 32 વિમાનનો કાટમાળ લિપોથી 16 કિલોમીટર દૂર જોવા મળ્યો છે. એમઆઈ 17 હેલિકોપ્ટરને સર્ચ ઓપરેશન દરમિયાન ટાટોના ઉત્તર પૂર્વમાં આ કાટમાળ જોવા મળ્યો છે.

સર્ચ ઓપરેશન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશના મેચુકા એડવાન્સ લિડિંગ ગ્રાઉન્ડ વચ્ચે કરવામાં આવી રહ્યું છે. ઈસરોના ઉપગ્રહણ  કાટરેસેટ અને આરઆઈસેટ પણ આ વિસ્તારની તસવીર લઈ ચૂક્યા છે. પૂર્વ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ચીફ એર માર્શલ આર.ડી. માથુર તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન જોઈ રહ્યા છે. તેમણે વાયુસેનાના ગુમ કર્મચારીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે. આ પહેલા વાયુસેનાએ આ વિમાનની જાણકારી આપનારને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.