અકબર એક્શનમાં: જાતીય સતામણીનો આરોપ મૂકનાર મહિલા પત્રકાર સામે માંડ્યો કાનૂની દાવો

નવી દિલ્હી – ભૂતકાળમાં જાતીય સતામણી કરનારાઓને હવે ઉઘાડા પાડવા માટે દેશભરમાં શરૂ કરવામાં આવેલા અઘોષિત અંદોલન ‘મી ટૂ ઈન્ડિયા’ અંતર્ગત લગભગ એક ડઝન જેટલી મહિલાઓએ વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન એમ.જે. અકબર વિરુદ્ધ આરોપ મૂક્યા છે. એમાંના મહિલા પત્રકાર પ્રિયા રામાની સામે અકબરે માનહાનિનો દાવો માંડ્યો છે, જે અકબર સામે આરોપ મૂકનાર પહેલાં મહિલા છે.

અકબરે ગઈ કાલે જ જણાવ્યું હતું કે મોદી સરકારમાંથી એમના રાજીનામાની માગણી જેને કારણે ઊભી થઈ હતી તે આરોપો સામે કાયદેસર પગલું ભરવા એમના વકીલો વિચારી રહ્યા છે.

2016માં, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે પહેલાં અકબર પત્રકાર વ્યવસાયમાં હતા અને ધ ટેલીગ્રાફ, એશિયન એજ અખબારોના તંત્રીપદે હતા. એ વખતે પોતાની સાથે અકબરે જાતીય દુર્વ્યવહાર કર્યો હોવાનો પ્રિયા રામાનીએ ગઈ 8 ઓક્ટોબરે ટ્વીટ કરીને આરોપ મૂક્યો હતો.

પોતાની સાથે કરાયેલા જાતીય દુર્વ્યવહાર વિશે એક વર્ષ પહેલાં રામાનીએ એક મેગેઝિનમાં લખેલા લેખમાં જે નામવિહોણા પુરુષનો ઉલ્લેખ કર્યો હતો તે એમ.જે. અકબર છે એવું એમણે 8 ઓક્ટોબરના ટ્વીટમાં કહ્યું હતું.

પ્રિયા રામાનીએ અકબરનું નામ આપ્યાં બાદ બીજી ઘણી મહિલાઓએ પણ પોતાની સાથે અકબરે જાતીય ગેરવર્તાવ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. એ મહિલાઓ છેઃ પ્રેરણાસિંહ બિન્દ્રા, ગઝાલા વહાબ, શુતાપા પૌલ, અંજુ ભારતીય સુપર્ણા શર્મા, શુમા રહા, માલિની ભૂપ્તા, કણિકા ગેહલોત, કાદંબરી વડે, માઈલી ડી પુઈ કેમ્પ અને રુથ ડેવીડ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]