રોડ માર્ગથી જ જશે સીઆરપીએફના કાફલાઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જણાવ્યું છે જમ્મૂ-કાશ્મીરમાં સામાન પહોંચાડવા તેમજ અભ્યાસગત કારણોથી અર્ધસૈનિક દળોના કાફલાઓનું રોડ પરથી ગુજરવું આવશ્યક છે અને એટલા માટે તે ચાલુ રહેશે. જો કે મંત્રાલયે રાજ્યમાં સૈનિકોને પહોંચાડવા માટે વિમાની સેવામાં વધારો કર્યો છે. મંત્રાલયનું આ નિવેદન પુલવામામાં જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સામે આવ્યું છે. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે એવા સમાચારો સામે આવ્યા છે કે કેન્દ્ર સરકારે અર્ધસૈનિક દળોના જવાનોને જમ્મૂ-શ્રીનગર સેક્ટરથી હેલીકોપ્ટર દ્વારા લાવવા અને લઈ જવાના પ્રસ્તાવને ફગાવી દીધો. આની પૃષ્ઠભૂમિમાં મંત્રાલયે કહ્યું કે સૈનિકોની યાત્રાનો સમય ઓછો કરવા માટે તેણે તમામ સેક્ટરોમાં એર કુરિયર સેવાઓને વધારી છે.

મંત્રાલયે જણાવ્યું કે સામાન પહોંચાડવા તથા અભ્યાસગત કારણોથી અર્ધસૈનિક દળોના કાફલાને રોડ પરથી ગુજરવું આવશ્યક હતું અને આગળ પણ રહેશે. સેના સાથે પણ આ જ મામલો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે મીડિયાના એક વર્ગમાં એવા પણ સમાચારો આવ્યા હતા કે સીઆરપીએફના જવાનો માટે જમ્મૂ-શ્રીનગર સેક્ટરમાં વિમાની સેવાની સુવિધાની મંજૂરી નથી આપવામાં આવી જે ખોટું છે. નિવેદન અનુસાર તથ્ય એ છે કે ગત કેટલાક વર્ષોથી ગૃહ મંત્રાલયે તમામ સેવાઓમાં એર કુરિયર સેવાઓને વધારી દીધી છે.

આનાથી જવાનોને ઘરે જવા માટે તેમજ ત્યાંથી પાછા આવવાનો સમય ઘટાડી શકાય. જમ્મૂ કાશ્મીર સેક્ટરમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળોના જવાનોને લાવવા લઈ જવા માટે એર કુરિયર સેવાઓ ચાલી રહી છે. પ્રારંભમાં આમાં જમ્મૂ-શ્રીનગર જમ્મૂ સેક્ટરને શામિલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2017 માં સીએપીએફએસના અનુરોધ પર આ સેવાને દિલ્હી-જમ્મૂ-શ્રીનગર-જમ્મૂ-દિલ્હી સેક્ટર સુધી વધારવામાં આવ્યું છે. એક સપ્તાહમાં સાત ઉડાનો થાય છે.

પ્રતીકાત્મક તસવીર

ડિસેમ્બર 2018 માં મંત્રાલયે દિલ્હી-જમ્મૂ-શ્રીનગર-જમ્મૂ-દિલ્હી સેક્ટરો માટે માર્ગ વધારીને હવાઈ સહાયતાને વધારવાની મંજૂરી આપી હતી.