‘મી ટૂ ઈન્ડિયા’: એમ.જે. અકબર રાજીનામું નહીં આપે, આરોપ મૂકનારાઓ સામે કાનૂની પગલું ભરશે

નવી દિલ્હી – દેશભરમાં ચાલી રહેલા ‘મી ટૂ ઈન્ડિયા’ આંદોલન અંતર્ગત પોતાની વિરુદ્ધ કેટલીક મહિલા પત્રકારો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપ અંગે વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન એમ.જે. અકબરે આજે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે, ‘મારી સામેના તમામ આરોપ પાયાવિહોણા છે. મારી પર આરોપ મૂકનારાઓ સામે હું કાનૂની પગલાં ભરીશ.’

અકબર અગાઉ પત્રકાર વ્યવસાયમાં હતા. તેઓ એક અખબારના તંત્રીપદે હતા ત્યારે એમણે જાતીય સતામણી કરી હતી એવો એમની સાથે કામ કરનાર અમુક મહિલા પત્રકારોએ આરોપ મૂક્યો છે.

અકબર 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે પૂર્વે ધ ટેલીગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન અખબારોના તંત્રીપદે હતા. તેઓ ભાજપના રાજ્યસભામાં સદસ્ય છે.

અકબર નાઈજિરીયાની સત્તાવાર મુલાકાતે ગયા હતા અને ત્યાંથી આજે પાછા ફર્યા છે.

એક નિવેદનમાં અકબરે કહ્યું છે કે, 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આરોપ કરવામાં કરવામાં આવ્યા છે. હું સત્તાવાર પ્રવાસ માટે વિદેશ ગયો હતો એટલે આરોપોનો ત્વરિત જવાબ આપી શક્યો નહોતો.

લોકસભાની ચૂંટણી આડે અમુક જ મહિના રહી ગયા છે ત્યારે આ વાવાઝોડું ઊભું કરવામાં આવ્યું છે. આનો કોઈ મતલબ છે? આ ખોટા, પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલા આરોપોને કારણે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે, એમ પણ અકબરે કહ્યું છે.

અકબરે કહ્યું છે કે, મારી વિરુદ્ધ પુરાવા વગર આરોપ કરવામાં આવ્યા છે અને તે અમુક વર્ગમાં વાયરલ ફીવર બની ગયો છે. હવે હું સ્વદેશ પાછો ફર્યો છું અને મારા વકીલો આ બાબતમાં ધ્યાન આપશે અને કાનૂની પગલું ભરવાનો નિર્ણય લેશે. જૂઠાણાં નિરાધાર હોય છે, પરંતુ એમાં ઝેર હોય છે, જે જુવાળનું રૂપ ધારણ કરે છે. આ ખૂબ જ દુઃખદાયી છે. હું યોગ્ય કાનૂની પગલું ભરીશ.

અકબર વિરુદ્ધ આરોપ મહિલા પત્રકાર પ્રિયા રામાનીએ કર્યો છે. એમણે એક મેગેઝિનમાં લેખ લખીને અકબર વિરુદ્ધનો પ્રચાર શરૂ કર્યો હતો. જોકે ત્યારે એમણે અકબરનું નામ લીધું નહોતું.

અકબરે કહ્યું કે, મેં જ્યારે રામાનીને પૂછ્યું હતું કે તમે મારું નામ કેમ લખ્યું નહોતું? ત્યારે એમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે, એમણે (અકબરે) કંઈ કર્યું નહોતું.

વોગ ઈન્ડિયા મેગેઝિનમાં ગયા વર્ષના લેખમાં રામાનીએ લખ્યું હતું કે એક નામાંકિત અખબારના તંત્રીએ મને નોકરીના ઈન્ટરવ્યૂ માટે દક્ષિણ મુંબઈમાં એક વૈભવશાળી હોટેલમાં બોલાવી હતી. એ વખતે હું 23 વર્ષની હતી અને એ 43 વર્ષના હતા.

રામાનીએ હવે એવો દાવો કર્યો છે કે તે તંત્રી એમ.જે. અકબર હતા. રામાનીએ કહ્યું છે કે અકબર હોટેલની લોબીમાં મને મળ્યા નહોતા અને એમની રૂમમાં મળવાનો આગ્રહ કર્યો હતો. ત્યાં એમણે મને એક ડ્રિન્ક પીવાની ઓફર કરી હતી. મેં ના પાડી હતી. એમણે વોડકા પીધો હતો. પછી મારી સામું જોઈને જૂના હિન્દી ફિલ્મી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને પોતાની લગોલગ બેસવાનું કહ્યું હતું.

અમેરિકાની સીએનએન ચેનલની મહિલા રિપોર્ટર મેલી ડી પુય કેમ્પે પણ પોતાની જાતીય સતામણી કરવાનો અકબર પર આરોપ મૂક્યો છે. એમણે કહ્યું છે કે પોતે 2007માં જ્યારે એશિયન એજ અખબારમાં ઈન્ટર્નશિપ કરતાં હતાં અને ઈન્ટર્નશિપમાં પોતાનો જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે અખબારના તંત્રી અકબરને મળવા એમની ઓફિસમાં ગયાં હતાં ત્યારે અકબરે એમને પકડીને જબરદસ્તીથી કિસ કરી હતી.

અકબર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ એક-બે નહીં, પણ 9 સ્ત્રીઓએ કર્યો છે. ફોર્સ ન્યૂઝનાં એક્ઝિક્યૂટિવ એડિટર ગઝાલા વહાબે પણ પોતાની સાથે જાતીય દુર્વ્યવહાર કર્યાનો અકબર પર આરોપ મૂક્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]