મૂર્તિઓ પર ખર્ચેલા લોકોના નાણાં પરત કરે માયાવતી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટ તરફથી બીએસપી સુપ્રિમો માયાવતીને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમે માયાવતીને તેમના મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન  બનાવેતા સ્મારકો અને મૂર્તિઓના નાણાં પરત કરવા આદેશ આપ્યો છે. વર્ષ 2009માં દાખલ કરેલી એક પિટીશન પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો હતો. આ મામલે સુનાવણી 2 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. માયાવતીના વકિલે આ મામલે સુનાવણી મે મહિના બાદ હાથ ધરવા અપીલ કરી હતી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી હતી.

મૂર્તિઓ પર લોકોના નાણાં ખર્ચ થવા મામલે સુપ્રિમ કોર્ટમાં વર્ષ 2009માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. 10 વર્ષ જૂની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું કે, પહેલા તો માયાવતીએ મૂર્તિઓ પર ખર્ચ કરેલા જનતાના નાણાં પરત આપવા પડશે. તેમણે આ નાણાં પરત આપવા જોઈએ.

તમાને જણાવી દઈએ કે, જ્યારે માયાવતી મુખ્યપ્રધાન હતાં તે સમય દરમિયાન ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હાથી અને પોતની કેટલીક મૂર્તિઓ લગાવી હતી. બીએસપી પ્રમુખે આ પ્રકારના કેટલાક પાર્ક અને સ્મારકો પણ બનાવ્યા હતાં, જેમાં માયાવતી અને હાથીની મૂર્તિઓ હતી. આ ઉપરાંત કાંશીરામ અને બાબા સાહેબ આંબેડકરની પણ કેટલીક મૂર્તિઓ તેમના કાર્યકાળ દરમિયાન સ્થાપિત કરી હતી.

એ સમયે ઉત્તર પ્રદેશમાં માયાવતીની મૂર્તિ લગાવવાનો વિરોધ સમાજવાદી પાર્ટી સહિત અન્ય દળોએ પણ કર્યો હતો. જોકે, બદલાતા સમયમાં હવે એસપી-બીએસપીની દુશ્મની ખત્મ થઈ ગઈ અને બંન્ને પાર્ટીઓ ગઠબંધનમાં 2019ની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.