મહિલા દિવસ: જાણો ભારતના પ્રથમ મહિલા સંચાલિત રેલવે સ્ટેશન વિશે

મુંબઈ- ભારત દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતથી લઈને ટેકનિકલ અને શિક્ષણ દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશની આ પ્રગતિમાં પુરુષોની સાથે મહિલાઓનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. મહિલાઓ પણ પ્રગતિ કરી રહી છે અને તે પુરુષો સાથે કદમ મિલાવીને ચાલી રહી છે.મુંબઈનું માટુંગા રેલવે સ્ટેશન દેશનું એવું પ્રથમ સ્ટેશન બની ગયું છે, જે ફક્ત મહિલા સંચાલિત છે. આ ઘટનાને ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ સ્ટેશન પર કુલ 41 મહિલાઓ કાર્યરત છે.જેમાંથી 17 બુકિંગ ક્લાર્ક, 6 RPF પર્સનલ, 8 ટિકિટ ચેકર, 5 પોઈન્ટ પર્સન, 2 રેલવે એનાઉન્સર અને 2 ક્લીનિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. આ દરેક કર્મચારી સ્ટેશન મેનેજર મમતા કુલકર્ણીની દેખરેખમાં ફરજ બજાવે છે.

વર્ષ 1992માં મમતા કુલકર્ણી મુંબઈ ડિવિઝનની પ્રથમ મહિલા સ્ટેશન માસ્તર કરીકે નિમણૂંક પામ્યા હતા. મહત્વનું છે કે, મહિલા સ્ટાફ ગત છ મહિનાથી આ રેલવે સ્ટેશનનું સંચાલન કરી રહ્યો છે. એટલું જ નહીં મહિલા ટિકિટ ચેકર પણ સ્ટેશન પર હાજર રહે છે. જે ટિકિટ વગર યાત્રા કરી રહેલા પુરુષોને પણ પહોંચવા સક્ષમ છે.

માટુંગા સ્ટેશન એક હબ છે, જે દાદર અને સાઈનની વચ્ચે આવેલું છે. અનેક પડકારો છતાં મહિલા કર્મચારીઓ આ સ્ટેશનનું સંચાલન વ્યવસ્થિત રીતે કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]