મહારાષ્ટ્રની નદીમાંથી 15 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા; મરણાંક વધીને થયો 37

ગડચિરોલી (મહારાષ્ટ્ર) – સુરક્ષા દળોને આજે વહેલી સવારે અહીંની ઈન્દ્રાવતી નદીમાંથી વધુ 15 માઓવાદી નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે છેલ્લા 48 કલાકમાં આ જિલ્લાના જંગલ વિસ્તારમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોના હાથે માર્યા ગયેલા બળવાખોરોની સંખ્યા વધીને 37 થઈ છે.

સોમવારે રાતે થયેલા સામસામા ગોળીબારમાં સુરક્ષા જવાનોએ 6 માઓઈસ્ટને ઠાર માર્યા હતા. આ ઘટનાના 36 કલાક પહેલાં, રવિવાર થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ 16 બળવાખોરોને મારી નાખ્યા હતા.

મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્યોની સરહદ પરથી વહેતી ઈન્દ્રાવતી નદીમાં ઠાર થયેલા નક્સલવાદીઓના મૃતદેહ પાણીની સપાટી પર તરતા જોવા મળ્યા હતા. એ કોહવાઈ ગયેલી હાલતમાં હતા.

આ મૃતદેહો એ માઓવાદી બળવાખોરોના હોવાનું મનાય છે જેઓ રવિવારના એન્કાઉન્ટર વખતે જંગલમાં નાસી જવામાં સફળ થયા હતા. એ તમામ ઘાયલ થયા હતા એટલે ઈજાને કારણે મૃત્યુ પામ્યા હશે.

અન્ય એન્કાઉન્ટર જિમલાગટ્ટા તાલુકાના રાજારામ કાન્હીલા ગામમાં થયું હતું. એમાં C-60 પોલીસ ટૂકડીના કમાન્ડોએ બળવાખોરોને પડકાર્યા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં નંદુ નામનો હાઈ-રેન્કિંગ કમાન્ડર પણ છે.

મહારાષ્ટ્રના અતિરિક્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બિપીન બિહારીનું કહેવું છે કે અત્યાર સુધીમાં C-60 કમાન્ડો ટૂકડીના જવાનોએ માઓવાદીઓના 3 કમાન્ડરોને ખતમ કરી દીધા છે.

માર્યા ગયેલા માઓવાદી નક્સલવાદીઓમાં 19 મહિલાઓ પણ છે. મૃતદેહો અને એન્કાઉન્ટરના સ્થળોએથી પોલીસે બે એકે-47 રાઈફલ, અન્ય આધુનિક રાઈફલો, બંદૂકો, ડીટોનેટર્સ ઉપરાંત નક્સલી સાહિત્ય કબજે કર્યા છે.

મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોમાં પણ માઓવાદી નક્સલવાદીઓનો ત્રાસ વર્તાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]