PM મોદી, મહારાષ્ટ્રના CM ફડણવીસની હત્યાનું માઓઈસ્ટનું કાવતરું પુણે પોલીસના ધ્યાનમાં આવ્યું

પુણે – આ જિલ્લાના કોરેગાંવ-ભીમા જાતિવાદી રમખાણો સાથે માઓવાદી નક્સલવાદીઓની લિન્કની તપાસ કરતી પોલીસના હાથમાં અમુક પત્રો આવ્યા છે જેમાં એવો નિર્દેશ કરાયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે.

ગઈ 1 જાન્યુઆરીએ કોરેગાંવ-ભીમામાં થયેલા રમખાણોમાં સંડોવાયેલા ચાર શખ્સના ફોટા પણ પોલીસે રિલીઝ કર્યા છે. એ રમખાણોમાં એક જણ માર્યો ગયો હતો. પોલીસે જનતાને અપીલ કરી છે કે આ ચાર જણ વિશે કોઈ પણ માહિતી મળે તો તરત જ પોલીસને એની જાણ કરવી.

વાંધાજનક પત્રોમાંનો એક દિલ્હીસ્થિત ચળવળકાર રોના વિલ્સનના ઘરમાંથી મળ્યો છે. કોમી રમખાણોના કાવતરા અને શહેરી માઓઈસ્ટના શુભચિંતકો વિશે ચાલી રહેલી તપાસના ભાગરૂપે પોલીસે ગયા બુધવારે દેશના જુદા જુદા ભાગોમાંથી પાંચ ચળવળકારની ધરપકડ કરી હતી. રોના વિલ્સન એમાં એક છે.

એ પત્રમાં એવું જણાવાયું છે કે રાજીવ ગાંધી ટાઈપની એક વધુ હત્યા કરવી છે અને M-4 રાઈફલો તથા ચાર લાખ કારતૂસો મેળવવા માટે રૂ. 8 કરોડની જરૂર છે.

દરમિયાન મુંબઈમાં, મુખ્ય પ્રધાન ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ધમકીભર્યા પત્રો જપ્ત કરવામાં આવ્યા છે. એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક તરફ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે લડાઈ ચાલુ છે ત્યારે બીજી બાજુ નક્સલવાદીઓનું એક મોટું જૂથ શહેરોમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 1991ની 31 મેએ તામિલ નાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ત્યાં ગયા હતા ત્યારે એલટીટીઈના સુસાઈડ બોમ્બરે કરેલા વિસ્ફોટમાં રાજીવ ગાંધી તથા અન્યોનો જાન ગયો હતો.

તપાસકારોનો એવો પણ દાવો છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાંની એકના લેપટોપમાંથી અમુક સંદેશા મળી આવ્યા છે એમાં જણાવાયું છે કે મોદીએ 15થી વધુ રાજ્યોમાં ભાજપની સરકારને સફળતાપૂર્વક સ્થાપિત કરાવી છે… જો આ ચાલતું રહેશે તો એનો મતલબ એ કે માઓઈસ્ટ પાર્ટી માટે તમામ મોરચે મુશ્કેલીઓ વધશે. માટે જ માઓવાદીઓનો ઈરાદો મોદીના રોડશોને ટાર્ગેટ બનાવી રાજીવ ગાંધી ટાઈપનો બીજો બનાવ કરવાનો છે.

રોના વિલ્સન કમિટી ફોર ધ રિલીઝ ઓફ પોલિટીકલ પ્રીઝનર્સના સેક્રેટરી છે. અટકાયતમાં લેવામાં આવેલા અન્યો છેઃ એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ (ઈન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર્સના જનરલ સેક્રેટરી), શોમા સેન (નાગપુર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના વડા) – આ બંને નાગપુરના છે, મુંબઈના પત્રકાર અને ‘વિદ્રોહી’ના તંત્રી સુધીર ધાવળે તથા મહેશ રાઉત (ભારત જન આંદોલનના કાર્યકર્તા).

આ તમામ સામે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધાત્મક કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. એમને પુણેની એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે એમને 14 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રવિન્દ્ર કદમે કહ્યું છે કે પીએમ મોદીને એક રાજકીય રોડશોમાં રાજીવ ગાંધી ટાઈપ બનાવમાં ખતમ કરવાના પ્લાન સાથે માઓઈસ્ટ નેતાઓ વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ એક પત્રમાં કરાયો છે અને એ પત્ર પોલીસે જપ્ત કર્યો છે.

આ પત્ર પોલીસે આજે પત્રકારો સમક્ષ રિલીઝ કર્યો હતો. એ પત્ર માઓઈસ્ટ નેતા પ્રકાશને ઉદ્દેશીને લખાયો છે અને એમાં સહી કરનાર છે ‘R’. આ પત્ર 2017ની 18 એપ્રિલની તારીખનો છે.

પત્રમાં R દ્વારા પ્રકાશને જણાવાયું છે કે મોદી-રાજનો અંત લાવવા માટે કોમરેડ કિસન તથા અન્ય સિનિયર કોમરેડ્સ દ્વારા નક્કર પગલાંનું સૂચન કરાયું છે. અમે રાજીવ ગાંધી ટાઈપના એક વધુ બનાવ વિશે વિચારી રહ્યા છીએ… એમાં એમના (મોદીના) રોડશોને ટાર્ગેટ બનાવવાની વ્યૂહરચનના અસરકારક બની શકે.