જમ્મુમાં બસ સ્ટેન્ડમાં બોમ્બ ફેંકનાર ત્રાસવાદીની ધરપકડ; હુમલામાં ઘાયલ થયેલાઓમાંના એકનું મરણ

જમ્મુ – જમ્મુ અને કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે આજે સાંજે જણાવ્યું હતું કે જમ્મુ શહેરના બસ સ્ટેન્ડમાં આજે સવારે ગ્રેનેડ ફેંકનારની ધરપકડ કરવામાં આવી છે.

એ હુમલામાં 33 જણ ઘાયલ થયા હતા. એમાંના એક જણનું મૃત્યુ થયું છે. મૃતક 17 વર્ષનો યુવક છે. એનું નામ મોહમ્મદ શરીક છે. એ ઉત્તરાખંડના હરિદ્વારનો રહેવાસી હતો. હુમલામાં એને છાતીમાં ઈજા થઈ હતી. એને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં એણે અંતિમ શ્વાસ લીધો હતો.

પકડાયેલા શખ્સનું નામ યાસીર ભટ્ટ છે. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હોવાનું પોલીસનું કહેવું છે. યાસીર હિઝબુલનો ત્રાસવાદી છે.

પોલીસે આ હુમલાના સંદર્ભમાં 15 જણને અટકમાં લીધા છે.

હુમલો કુલગામ જિલ્લામાં, હિઝબુલ મુજાહિદ્દીનના જિલ્લા કમાન્ડરના કહેવાથી કરવામાં આવ્યો હતો.

યાસીર ભટ્ટ બોમ્બ ફેંકીને ભાગી ગયો હતો. બનાવ નજરે જોનારાઓએ એના કરેલા વર્ણન પરથી પોલીસે એને પકડી લીધો છે. યાસીરે એના ગુનાની કબૂલાત કરી લીધી છે.

જમ્મુ-કશ્મીરના ઈન્પેક્ટર જનરલ મનીષ સિન્હાએ કહ્યું કે કુલગામમાં હિઝબુલ સંગઠનના જિલ્લા કમાન્ડર ફારુક એહમદ ભટ્ટ ઉર્ફે ઉમરે યાસીરને જમ્મુ બસ સ્ટેન્ડમાં બોમ્બ ફેંકવા કહ્યું હતું.

હુમલામાં ઘાયલ થયેલા લોકોમાંના ચાર જણની હાલત ગંભીર છે. એમાંના બે જણનું ઓપરેશન કરીને ડોક્ટરોએ એમનો જાન બચાવી લીધો છે.

ઈજાગ્રસ્તોમાંના 11 જણ કશ્મીરના રહેવાસી છે જ્યારે બે જણ બિહારના અને એક-એક જણ છત્તીસગઢ તથા હરિયાણાનો છે.