બુલેટ ટ્રેનમાંથી ‘મેક ઈન ઈન્ડિયા’ ગાયબ, 70 ટકા કોન્ટ્રાક્ટ જાપાન પાસે

નવી દિલ્હી- વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને નવી ઉંચાઈ પર લઈ જવા માટે ‘મેક ઈન ઈન્ડિયા’નું સૂત્ર આપ્યું હતું. તેમના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાટે પણ તેમણે આ સૂત્ર આપ્યું હતું. પરંતુ હાલમાં જે તથ્યો સામે આવી રહ્યાં છે તે જોતાં લાગી રહ્યું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ‘મેક ઈન ઈન્ડિયા’ના સૂત્રથી ઘણો દુર છે.જાણકારોનું માનીએ તો 17 અબજ ડોલર એટલે અંદાજે 1.1 લાખ કરોડ રુપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની કંપનીઓ પાસે મોટો હિસ્સો રહેલો છે. એનો અર્થ એ થયો કે, ભારતીય કંપનીઓના ફાળે કંઈ ખાસ આવ્યું નથી.

મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટમાં જાપાન મોટું રોકાણ કરી રહ્યું છે. અને બુલેટ ટ્રેનમાટે રેલવે લાઈનનું નિર્માણ કરવા 70 ટકા માલની સપ્લાઈ જાપાની કંપની તરફથી કરવામાં આવશે. જોકે આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બુલેટ ટ્રેનમાટે રેલવે અધિકારીઓને અપાશે જાપાનમાં ટ્રેનિંગ

ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનનું પરિવહન મંત્રાલય સત્તાવાર રીતે સંકળાયેલું છે. આ અંગે તેણે જણાવ્યું છે કે, સામાનની સપ્લાઈ માટે ભારત અને જાપાન સાથે મળીને ચોક્કસ રણનીતિ સાથે કામ કરશે.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારત અને જાપાન વચ્ચે ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત ટેકનોલાજીનું આદાન-પ્રદાન કરવાની શરતો સાથે બુલેટ ટ્રેનનો કરાર કરવામાં આવ્યો હતો. આ અંગે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુ થયા બાદ દેશમાં ઉદ્યોગોને વેગ મળશે અને નવા રોજગારનું સર્જન થશે. ઉપરાંત જાપાનની ટેકનોલોજીને નજીકથી સમજવાની પણ તક મળશે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2019ના મધ્યભાગમાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એ પહેલાં પીએમ મોદી પર દેશમાં નવા રોજગારનું સર્જન કરવાનું અને યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડવાનું પણ દબાણ વધશે.