રાજસ્થાન બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ

મુંબઈઃ કોરોના વાયરસની દવાઓને લઈને યોગગુરુ સ્વામી રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે તેમને ચેતવણી આપી છે કે કોઈપણ યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ વગર તેમની પતંજલિ કંપનીને કોરોનાની દવા મહારાષ્ટ્રમાં વેચવાની મંજૂરી આપવામાં નહીં આવે. પતંજલિએ કોવિડ-19ની દવા ‘કોરોનિલ ટેબલેટ’ને તેના ટેસ્ટિંગ કર્યા હોવાના દાવા સાથે લોન્ચ કરી દીધી છે. પતંજલિ આયુર્વેદની આ દવા પર કેટલાય લોકોએ સવાલો ઉઠાવ્યા છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, આ પ્રકારની નકલી દવાઓને મહારાષ્ટ્રમાં વેચવા દેવામાં આવશે નહીં. તેમણે ટ્વીટ કર્યું કે, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જયપુર એ માહિતી મેળવશે કે, શું પતંજલિ આયુર્વેદે કોરોનિલ દવા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ કર્યા હતા કે નહીં. હું બાબા રામદેવને કડક ચેતવણી આપું છું કે, મહારાષ્ટ્ર સરકાર આ પ્રકારની નકલી દવાઓ વેચવાની મંજૂરી નહીં આપે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આયુષ મંત્રાલયે પણ આ દવાને લઈને નોંધ લીધી છે. મંત્રાલયે પતંજલિને નોટિસ આપીને તાત્કાલિક દવાના પ્રચાર અને પ્રસાર પર મનાઈ ફરમાવી દીધી છે. આયુષ મંત્રાલયનું કહેવું છે કે, ICMRની પ્રમાણિકતા વગર તેઓ આ પ્રકારનો દાવો કેવી રીતે કરી શકે? કેન્દ્રએ ઉત્તરાખંડના આયુષ વિભાગને પણ પત્ર લખીને આ મામલા સાથે જોડાયેલી તમામ જાણકારી માંગી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કંપનીને શરદી અને તાવની દવા બનાવવા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું હતું પરંતુ પતંજલિએ તો કોરોના વાયરસની દવા બનાવી દીધી. સ્ટેટ ડ્રગ કંટ્રોલરે દિવ્ય યોગ ફાર્મસીને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, દિવ્ય યોગ ફાર્મસીએ કોરોનાની જે દવા બનાવ્યાનો દાવો કર્યો છે તેનો આધાર શું છે?

રાજસ્થાન સરકારે કહ્યું કે, કોવિડ-19 મહામારીના ઈલાજની દવા તરીકે કોઈપણ ઔષધી સક્રિય મળી આવી તો વિક્રેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા આયુષ મંત્રાલયે સ્વામી રામદેવના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. આના પ્રચાર અને પ્રસાર પર રોક લગાવવામાં આવી અને દવાની તપાસ કરવાની વાત કહેવામાં આવી હતી. સરકારે પતંજલિ પાસેથી દવાને લઈને જાણકારી માંગી હતી.