મહારાષ્ટ્રમાં તણાવ છે ને કોંગ્રેસી ધારાસભ્યો અહીં મોજ કરે છે….

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના ગઠનને લઇને અનિશ્ચિતતા બની છે. ભાજપે પોતાને સરકાર બનાવવાની રેસમાંથી અલગ કરી લીધો છે. એટલે હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે કવાયત થઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં કોંગ્રેસે શુક્રવારે જ પોતાના 44માંથી 40 ધારાસભ્યને મહારાષ્ટ્રની બહાર રાજસ્થાન શિફ્ટ કરી દીધાં હતાં.

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને તણાવ ટોચે છે અને કોંગ્રેસ તેના સહયોગી એનસીપી સાથે બેઠક પર બેઠક યોજી રહી છે. તો રાજસ્થાનમાં તેમના ધારાસભ્યો સેરસપાટાનો આનંદ માણી રહ્યાં છે.અલબત્ત તેમના પર હાઈકમાન્ડની નજર છે. એક અહેવાલ પ્રમાણે જોધપુરની સહેલગાહ બાદ પુષ્કર મેળો અને અજમેર શરીફ દરગાહ ફરવા માટે ધારાસભ્યો રવિવારે જયપુર પહોંચ્યાં હતાં. રવિવારે જ તેઓ આમેર કિલ્લા સહિત અન્ય સ્થળોએ ફરવાની મોજ લીધી હતી.

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, અશોક ચવ્હાણ, અવિનાશ પાંડે સહિતના નેતા ધારાસભ્યો પર નજર રાખી રહ્યાં છે. ખબર છે કે ધારાસભ્યો બપોર બાદ રાજસ્થાન છોડી શકે છે. નોંધનીય છે કે શિવસેના અને ભાજપ વચ્ચેની ટક્કર ઘણી વધી ગઈ છે અને સરકાર રચવાની રેસમાંથી ભાજપ બહાર નીકળી ગયો છે. એવામાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાથે રાખવાની કોશિશ કરી રહી છે.

ભાજપે 105 બેઠક જીતી છે અને શિવસેનાએ 56 બેઠક જીતી છે. બંને દળ સંયુક્તપણે 288 સભ્યોના વિધાનસભા સદનમાં 145 બહુમતનું નિશાન આસાનીથી પાર પાડી રહ્યાં છે પરંતુ મુખ્યપ્રધાનપદ માટે બંને દળ વચ્ચે ઠેરી ગઇ છે અને હવે બંનેના માર્ગ જુદાં થઈ ગયાં છે. હવે સરકાર રચનામાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે સમીકરણ સર્જાઈ રહ્યાં છે.

સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની આસપાસ ભારે હલચલ જોવા મળી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ મીડિયાને બતાવ્યું કે સરકાર ગઠન માટે તેઓએ મહારાષ્ટ્રમાં પોતાના વરિષ્ઠ નેતાઓની બેઠક દિલ્હીમાં બોલાવી છે. તેમની સાથે વિચારણા કર્યાં બાદ જ કોઇ નક્કર નિર્ણય લેવામાં આવશે.