કેવી રીતે શરદ પવાર પોતાના ધારાસભ્યો બચાવીને જંગ જીત્યા?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગત શનિવારના રોજ દેવેન્દ્ર ફડણવીસે અચાનક જ સીએમ પદના શપથ લીધા અને તેમની સાથે જ અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા તો એનસીપીના 15 ધારાસભ્યો ગુમ થયેલા જણાયા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે એનસીપીની જગ્યાએ ભાજપનો સાથ આ તમામ લોકોએ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ ઝટકાથી બહાર આવવા માટે જ્યારે વિપક્ષે પ્રયત્નો શરુ કર્યા તો એક-એક ધારાસભ્યને મહારાષ્ટ્રથી લઈને ગુરુગ્રામ સુધી શોધી લાવ્યા. કેટલાક ધારાસભ્યોને ફ્લાઈટથી ગુડગાંવ લાવવામાં આવ્યા હતા તો કેટલાક લોકો અજ્ઞાત સ્થળો પર હતા. કેટલાક ધારાસભ્યો આવી ગયા હતા પરંતુ ઘણા લોકો માટે એનસીપીએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દીધું. હવે આ તમામ ધારાસભ્યો પર નજર રાખવામાં આવી રહી છે અને ત્યાં સુધી કે દરેક ત્રણ કલાકે તેમની હાજરી લેવામાં આવી રહી છે. તો જાણીએ કે કેવી રીતે ચાલ્યું સર્ચ ઓપરેશન અને મળ્યા ત્યારે શું બોલ્યા ધારાસભ્યો.

એનસીપીના જે ધારાસભ્યોએ દિલ્હીની ફ્લાઈટ પકડી હતી, તેમાં એક દોલત દરોડા પણ હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હી એરપોર્ટ પરથી ગુરુગ્રામમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં ભાજપ વર્કર્સ અને એક્ટિવિસ્ટની દેખરેખમાં એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. એનસીપી કેમ્પ પાછા આવવા પર દરોડાએ કહ્યું કે અમને દિલ્હી લાવવામાં આવી રહ્યા હતા તો કહેવામાં આવ્યું કે એનસીપીએ ભાજપનું અધિકારીક રિતે સમર્થન કર્યું છે. બાદમાં અમને ખ્યાલ આવ્યો કે એનસીપી ભાજપનું સમર્થન નથી કરી રહી. તેમણે કહ્યું કે ગુરુગ્રામ હોટલમાં અમારો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો પરંતુ અમે કોઈપણ રીતે શરદ પવાર સાથે સંપર્ક કરી શક્યા. ત્યારબાદ તેમણે અમને ત્યાંથી નિકાળવા માટે પ્રયત્નો શરુ કર્યા.

એનસીપીના સંજય બંસોડે એ ધારાસભ્યો પૈકી હતા, જેને શિવસૈનિક એરપોર્ટથી પકડીનેવાઈબી ચૌહાણ સેન્ટર લાવ્યા હતા. અહીંયા શિવસેના અને એનસીપીની મીટિંગ ચાલી રહી હતી. શરદ પવારે ઉદ્ધવ ઠાકરેના પીએ મિલિંદ નાર્વેકરને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે બંસોડેને સહારા સ્ટારમાં રાખવામાં આવ્યા છે અને તેઓ પાછા આવવા માંગે છે. ત્યારબાદ મિલિંદ અને શિવસેનાના લીડર એકનાથ શિંદે હોટલ પહોંચ્યા. પહેલા એકલા મિલિંદ જ ગયા અને ત્યાં જોયું કે 40 પોલીસ જવાનો ઉભા છે અને ભાજપના નેતા મોહિત કાંબોજ પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડા જ સમયમાં એકનાથ શિંદે પણ ત્યાં પહોંચ્યા. બંસોડે સાથે સંપર્ક કર્યો અને તેઓ લોબીમાં આવ્યા. આ દરમિયાન મિલિંદ અને શિંદે પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા લાગ્યા, આ દરમિયાન શિવસૈનિક બંસોડેને લઈને ત્યાંથી નિકળી ગયા.

ધનંજય મુંડે માટે કહેવાઈ રહ્યું છે કે અજિત પવાર માટે તેમણે જ ધારાસભ્યો એકત્ર કર્યા હતા. પરંતુ પાછા શરદ પવારની ટીમમાં આવનારા ધનંજય મુંડે અલગ જ સ્ટોરી જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે 23 નવેમ્બરના રોજ હું મારા બંગ્લા પર નહોતો અને બપોરે એક વાગ્યા સુધી સુઈ ગયો હતો. આના કારણે મારો ફોન લાગી રહ્યો નહોતો. શનિવારના રોજ વાઈબી ચૌહાણ સેન્ટરમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે લાંબી વાત થઈ હતી.

ડિંડોરીના ધારાસભ્ય નરહરી જિરવાલ કહ્યું કે અમને માત્ર ભ્રમિત નહોતા કરાયા પરંતુ એક પ્રકારે કિડનેપ કરીને રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારા પર 300 લોકો નજર રાખી રહ્યા હતા પરંતુ પાછળના રસ્તે અમે કોઈપણ રીતે બહાર નિકળી ગયા.

અનિલ પાટીલે જણાવ્યું કે અમે અજિત પવારના શપથમાં ગયા હતા. સેરેમની બાદ અમે વિચાર્યું કે એનસીપી ભાજપા સાથે સરકાર બનાવી રહી છે અને અજિત પવારનો અમે નેતા તરીકે સાથ આપ્યો. ત્યારબાદ અમને કહેવામાં આવ્યું કે સરકાર બને ત્યાં સુધી અમારે ક્યાંક અન્ય જગ્યાએ જવું પડશે. પરંતુ જ્યારે અમે ગુરુગ્રામ પહોંચ્યા અને ટીવી જોયું ત્યારે ખ્યાલ આવ્યો.

બાબાસાહેબ પાટીલે કહ્યું કે તેમને પહેલા રાજભવન લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્રણ અન્ય ધારાસભ્યો સાથે દિલ્હી લાવવામાં આવ્યા. અજિત પવાર શું કરી રહ્યા હતા, તેનો ખ્યાલ અમને ત્યારે આવ્યો કે જ્યારે અમે દિલ્હી પહોંચ્યા અને પોતાનો ફોન ઓન કર્યો. ત્યારબાદ કોઈપણ પ્રકારે અમે શરદ પવારનો સંપર્ક કર્યો અને તેમણે અમને ત્યાંથી કાઢ્યા.

મહત્વનું છે કે આજે સવારે શરદ પવારે પાર્ટીમાં પાછા આવી જવા માટે અજિત પવારને ફોન કરીને મનાવ્યા હતા. બાદમાં અજીત પવાર આ મામલે રાજી થઈ જતા તેમણે ડેપ્યુટી સી.એમ પદ પરથી રાજીનામું આપી દીધું છે.