મહારાષ્ટ્ર-હરિયાણામાં 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન, 24મી એ પરિણામ

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. 21 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આગામી 9 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યની 288 બેઠકો પર ચૂંટણી યોજાશે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધનની સરકાર છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 122 અને સાથી પક્ષ શિવસેનાએ 63 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, રાજ્યની કુલ 90 બેઠકો છે જેના પર ચૂંટણી યોજાશે. હાલ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.

મહારાષ્ટ્રમાં 8.94 કરોડ અને હરિયાણામાં 1.28 કરોડ મતદારો

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું, હરિયાણામાં 1.28 કરોડ મતદારો છે અને 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદાર છે અને અહીં 1.8 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે બે ખાસ સુપરવાઈઝર મોકલવાનો નિર્ણય કર્યો છે. જે માત્ર ચૂંટણી ખર્ચ પર નજર રાખશે. પહેલાં પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં આ પ્રકારના સુપરવાઈઝરને ચૂંટણી દરમ્યાન મોકલવામાં આવ્યા હતા. પંચે રાજકીય પક્ષોને પણ એવી અપીલ કરી છે કે, તેઓ પર્યાવરણ માટે અનુકૂળ સામગ્રીનો જ પ્રચારમાં ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે.

આ સાથે બંન્ને રાજ્યોમાં આચાર સંહિતા લાગૂ થવાની સાથે જ ટ્રાન્સફર અને નિમણૂકો અટકી જશે. જો કોઈ ઓફિસરની ટ્રાન્સફર કરવાની હશે તો તે ઈલેક્શન કમિશન વિભાગ દ્વારા જ કરવામાં આવશે. સરકારી ખર્ચ પર સરકારની સફળતાની જાહેરાત આપી શકાશે નહીં. નવી સરકારી જાહેરાતો, ઉદ્ધાટન, લોકાર્પણ થઈ શકશે નહીં. સીએમ-મંત્રી રુટીન કામ જ કરી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]