સસ્પેન્સનો અંતઃ વારાણસીમાં મોદી સામે ટકરાશે કોંગ્રેસના અજય રાય

નવી દિલ્હીઃ છેવટે કોંગ્રેસે આજે વારાણસીની બેઠક પર ઉમેદવાર તરીકે અજય રાયના નામની જાહેરાત કરતાં આ બેઠકને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે હવે અહીં નરેન્દ્ર મોદી વિરુધ્ધ અજય રાયનો જંગ જામશે.

ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક આમ તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી ચર્ચામાં આવી હતી. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત લોકસભા ચૂંટણીમાં અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પણ વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

કોંગ્રેસે પણ 2014ની લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજય રાયને જ ફરી ટીકિટ આપી છે. આ સાથે જ તમામ વિપક્ષો એક થઈને વડાપ્રધાન મોદી સામે ઉમેદવાર ઉભો રાખશે તેવી અટકળો પર પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે.

એવી પણ ચર્ચા ચાલી હતી કે, નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે. અજય રાયની જાહેરાત સાથે જ અહીં હવે એક તરફી મુકાબલો થઈ ગયો હોય તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.

મહત્વનું છે કે, ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે વારાણસીના પ્રવાસે છે ત્યારે જ કોંગ્રેસે અહીં તેમના ઉમેદવારની જાહેરાત કરી છે.

2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય ચૂંટણી લડયા હતાં. વડાપ્રધાન મોદીને આ ચૂંટણીમાં કુલ 5.18 લાખથી વધુ મતો મળ્યા હતાં, જ્યારે કેજરીવાલને 2.9 લાખ અને અજય રાયને માત્ર 76 હજાર મતો મળ્યાં હતાં.

અજય રાયે તેમના રાજકીય જીવનની શરુઆત વર્ષ 1996માં ભાજપના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડીને કરી હતી. આ ચૂંટણીમાં તેમને જીત મેળવી હતી, ત્યાર બાદ અજય રાય સમાજવાદી પાર્ટી(સપા)માં જોડાયા હતાં. સપામાંથી તેમણે 2009ની લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમને જીત મેળવી નહતા શકયા. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયા અને 2012માં ધારાસભ્ય બન્યાં. ભૂમિહાર જ્ઞાતિના મજબૂત નેતા ગણાતા અજય રાય સ્થાનિક વર્તુળોમાં જાણીતા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર પોણા ચાર લાખ જેટલા ભૂમિહાર મતો છે.

વારાણસી લોકસભા બેઠક પર સાતમા અને અંતિમ તબક્કામાં 19 મે ના રોજ મતદાન યોજાશે. જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, અહીં બ્રાહ્મણ, વૈશ્ય અને કુર્મી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. અંદાજે 3 લાખ વૈશ્ય, દોઢ લાખ કુર્મી, દોઢ લાખ બ્રાહ્મણ, ત્રણ લાખ મુસ્લિમ, દોઢ લાખ ભૂમિહાર, 1 લાખ રાજપૂત, 1.75 લાખ યાદવ, 80 હજાર ચોરસિયા, એક લાખ દલિત અને અંદાજે એક લાખ જેટલા અન્ય ઓબીસી મતદાતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]