લોકપાલ નિમણૂક મામલો: પસંદગી પેનલમાં મુકુલ રોહતગીનો કરાયો સમાવેશ

નવી દિલ્હી- લોકપાલની નિમણૂકની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીનો પસંદગી સમિતિમાં સમાવેશ કર્યો છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ અંગેનો નિર્ણય 11મી મેના રોજ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. અદાલતે પૂછ્યું કે, લોકપાલની નિમણૂક માટે હજી કેટલો સમય લાગશે? આ અંગે જવાબ આપતાં વેણુગોપાલે કહ્યું કે, આ પ્રક્રિયામાં હજી સમય લાગશે. સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી 2 જુલાઈના રોજ કરશે.લોકપાલની નિમણૂંકના મામલામાં એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, લોકપાલની નિમણૂંક કરવાને લઈને કેન્દ્ર સરકાર જલદી નિર્ણય કરશે. આ પછી અદાલતે લોકપાલની નિમણૂંક અંગે તાત્કાલિક આદેશ જારી કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ અદાલતે કહ્યું હતું કે સરકારના આશ્વાસન બાદ હાલમાં આ અંગે કોઈ આદેશ જારી કરવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ખ્યાતનામ વ્યક્તિની નિમણૂંકની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બીજી તરફ કોમન કોઝ તરફથી પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈરાદાપૂર્વક નિમણૂંક અટકાવી રહી છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે, સરકારે ચાર વર્ષમાં હવે એમિનેન્ટ જ્યુરીસ્ટની નિમણૂંક કરી છે. આ સમિતિ તેની કામગીરી કરશે, પછી સાત સભ્યોની સ્ક્રિનિંગ સમિતિની રચના કરવામાં આવશે. તે બનાવવા માટે સાત સભ્યોને શોધવા પડશે. જેના માટે સરકાર ઓછામાં ઓછા સાત વર્ષનો સમય લેશે.

પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર પર કરેલા આરોપ બાદ એક અરજીકર્તાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે લોકપાલની નિમણૂંકની દિશામાં સકારાત્મક પગલું તો ભર્યું. જે સરાહનીય બાબત છે. જ્યારે કેજરીવાલ સરકાર જે લોકપાલ અને લોકાયુક્તના વાયદા સાથે દિલ્હીની સત્તામાં આવી તેણે ચાર વર્ષમાં આ મુદ્દે ચર્ચા પણ શરુ નથી કરી.