ચોરેચૌટે રાત’દિ કામે લાગ્યાં અધિકારીઓ, 24મી સુધી પહેલો હપ્તો પહોંચાડવા મથામણ

લખનૌઃ લોકસભા ચૂંટણી થવામાં હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી ભાજપ ઈચ્છે છે કે વાર્ષિક 6000 રુપિયાવાળી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રથમ હપ્તો એટલે કે 2000 રુપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરીને તેનો ફાયદો લેવામાં આવે. અંતરિમ બજેટમાં આ મહિને કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક રાહત આપવાના ઉદ્દેશ્યથી આ યોજનાની જાહેરાત કરી છે અને તેને વર્તમાન નાણાકીય વર્ષથી લાગુ કરવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આ યોજનાને લાગુ કરવા માટે અધિકારીઓથી લઈને ગામડાં લેવલ પર કાર્યરત કર્મચારીઓએ દિવસરાત એક કર્યા છે. જેથી 24 ફેબ્રુઆરી સુધીમાં લાભાર્થી ખેડૂતોની યાદી અપડેટ અને અપલોડ કરી શકાય. સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીના રોજ આ યોજનાની શરુઆત કરી શકે છે અને યૂપીના આશરે 1 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં બે-બે હજાર રુપિયા ટ્રાન્સફર થાય તેવી શક્યતા છે.

રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા છે કે કોઈપણ જરુરિયાતમંદ ખેડૂત આ લાભથી વંચિત ન રહી જાય. આના માટે લેખપાલથી લઈને કર્મચારી અને કૃષિ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં રાત્રે 9.30 વાગ્યા સુધી કેમ્પ કરી રહ્યાં છે અને ખેડૂતોથી ફોર્મ ભરાવી રહ્યાં છે. પ્રધાનોના આવાસ પર બનેલા કેમ્પમાં જ અરજીઓ લેવામાં આવી રહી છે અને તેના ડોક્યુમેન્ટ્સની તપાસ થઈ રહી છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ અરજીઓ જમા કરવામાં આવી રહી છે. લાભાર્થીઓનું લિસ્ટ બનાવવાનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાપુડના ગામડાઓમાં આ કામ માટે લાઉડસ્પીકરથી ખેડુતોને માહિતી પણ આપવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત સન્માન નિધિ યોજનાનું ફોર્મ જે ખેડૂતોએ નથી ભર્યું તે લોકો પ્રધાનજીના ઘેરેઆવે અને ફોર્મ જમા કરાવી દે.
સરકારી આંકડાઓ અનુસાર યુપીમાં આ યોજનાથી લાભ પ્રાપ્ત કરનારા ખેડૂતોની સંખ્યા બે કરોડની આસપાસ છે પરંતુ સરકારનો પ્રયત્ન છે કે પ્રથમ ચરણમાં ઓછામાં ઓછા એક કરોડ જેટલા ખેડૂતોને આનો ફાયદો મળી જાય. હાપુડ સિવાય પશ્ચિમી યૂપીના ઘણા જિલ્લાઓમાં આ સ્થિતિ છે. અધિકારીઓ તમામ ગામમાં પહોંચી ગયાં છે.

ભાજપને આશા છે કે કિસાન સન્માન નિધિ સિવાય, ઉજ્વલા ગેસ યોજના, દીનદયાલ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના, પીએમ કૃષિ સિંચાઈ યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના, પીએમ આવાસ યોજના, જનધન યોજના, ફ્રી મેડિક્લેમ યોજના સહિત તમામ યોજનાઓના સહારે ગ્રામીણ અને શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના વોટ મેળવી શકાશે.

આને ધ્યાનમાં રાખીને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે લાભાર્થીઓ સાથે જનસંપર્ક યોજનાની શરુઆત પણ કરી છે. આપને જણાવી દઈએ કે ખેડુતોનો ગુસ્સો અને ગ્રામિણ વિસ્તારોમાં સરકાર વિરુદ્ધ નારાજગીના કારણે ત્રણ રાજ્યોમાંથી પાર્ટી સત્તા ગુમાવી ચૂકી છે. એટલા માટે જ 2019માં ખેડૂતોને રીઝવવાના પ્રયત્નો તેજ થવાના છે. સપા-બસપા અને રાલોદ ગઠબંધન બાદ ભાજપાને સૌથી વધારે ખતરો યુપીમાં જ છે. અહીં લોકસભાની 80 સીટો છે.