5 દિવસમાં 10 રાજ્યોના પ્રવાસે PM મોદી, ઉત્તરપૂર્વી રાજ્યોને આપશે ભેટ

નવી દિલ્હીઃ મિશન 2019ને લઈને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી છે. એકતરફ 11 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે લખનઉમાં રેલી કરશે તો બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા 5 દિવસમાં 10 રાજ્યોનો પ્રવાસ કરશે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 10 રાજ્યોના પ્રવાસ દરમિયાન અસમમાં રાત્રિરોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જમ્મુકશ્મીર અને પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો હતો.

રેલીની શરુઆત વડાપ્રધાન મોદી છત્તીસગઢના રાયગઢથી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં મળેલી હાર બાદ મોદીનો આ પ્રથમ પ્રવાસ હશે. તો છત્તીસગઢ બાદ વડાપ્રધાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રેલી કરશે. અહીં વડાપ્રધાન મોદી પહેલાંથી જ મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યાં છે. પશ્ચિમ બંગાળ બાદ વડાપ્રધાન મોદી અસમમાં જનતાને સંબોધિત કરશે અને સાથે જ ત્યાં પણ રાત્રિરોકાણ કરશે.

9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અસમની રાજધાની ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીના પુલ માટે આધારશિલાનો પત્થર રાખશે. આ સાથે જ એમ્સનો શિલાન્યાસ પણ થશે અને નવી ગેસ પાઈપલાઈનનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. આપને જણાવી દઈએ કે આ ગેસલાઈન નોર્થ ઈસ્ટને નેશનલ ગ્રિડ ગેસ સાથે જોડશે. અસમમાં ભેટ આપ્યા બાદ વડાપ્રધાન અરુણાચલ પ્રદેશ માટે રવાના થશે. અહીંયા તેઓ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને અહીંયાથી તેઓ ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી દિલ્હી પરત ફરશે.

10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી તમિલનાડુનો પ્રવાસ કરશે અને ત્યાં તિરુપુરમાં રેલી કરશે. ત્યારબાદ તેઓ એક રેલી કર્ણાટકના હુબલીમાં કરશે. 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન આંધ્રના ગુંટૂરમાં પણ એક રેલીને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે આંધ્ર મોદી માટે ખાસ રહેશે કારણ કે આ વર્ષે ત્યાં લોકસભા બાદ વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. 11 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી યૂપીના મથુરા પહોંચશે જ્યાં તેઓ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સંસ્થા દેશમાં 18 લાખ બાળકોને મિડ ડે મીલ કાર્યક્રમ દ્વારા ભોજન આપે છે.

12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી હરિયાણા પહોંચશે અને કુરુક્ષેત્રમાં સ્વચ્છ શક્તિ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમમાં દેશભરની મહિલા સરપંચો ભાગ લેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]