લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત ક્યારે? સપ્તાહાંત અથવા આવતા મંગળવાર સુધીમાં

નવી દિલ્હી – આ વખતની લોકસભા ચૂંટણી, જે 17મી લોકસભાને ચૂંટશે, એની તારીખ વિશે દેશભરમાં સૌને ઉત્કંઠા જાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી દૂર કરવા માટે વિરોધ પક્ષો સંગઠિત થઈને લડવા તૈયાર થઈ ગયા છે.

હાઈ-વોલ્ટેજ લોકસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ જાહેર કરશે. ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં 7-8 તબક્કામાં યોજાય એવી ધારણા છે.

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે ચૂંટણી પંચ.

ચૂંટણી પંચ આ અઠવાડિયાના અંતભાગમાં અથવા આવતા અઠવાડિયાના આરંભમાં ચૂંટણી તારીખો ઘોષિત કરે એવી ધારણા છે.

વર્તમાન લોકસભાની મુદત 3 જૂને પૂરી થાય છે.

ચૂંટણી પંચના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે પંચ ચૂંટણીની તારીખો ઘોષિત કરવાની એકદમ તૈયારીમાં જ છે. ગમે તે દિવસે એની જાહેરાત થઈ શકે છે. કદાચ સપ્તાહાંતે અથવા આવતા મંગળવાર સુધીમાં.

પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના આરંભમાં થવાની ધારણા છે. પહેલા તબક્કાના મતદાન માટેનું નોટિફિકેશન માર્ચના અંત સુધીમાં ઈસ્યૂ થવાની ધારણા છે.

આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ નિર્ધારિત છે અને લોકસભાની ચૂંટણીની સાથે આ રાજ્યોમાં પણ ચૂંટણી યોજવાની શક્યતા પર ચૂંટણી પંચ વિચારણા કરે છે. જમ્મુ અને કશ્મીર રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે જ યોજવાનો મત છે, પરંતુ ત્યાં ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલી વધી ગઈ હોવાથી સુરક્ષાની ચિંતા ઊભી થઈ છે.

જમ્મુ અને કશ્મીર રાજ્યમાં હાલ કેન્દ્ર સરકાર સંચાલિત ગવર્નરનું શાસન છે અને રાજ્યનું વહીવટીતંત્ર લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની વિરુદ્ધમાં છે. જોકે આ અઠવાડિયાના આરંભમાં ચૂંટણી પંચ સાથેની બેઠક વખતે તમામ રાજકીય પક્ષો એ વાતે સહમત થયા હતા કે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજી દેવી જોઈએ.

લોકસભાના 543 મતવિસ્તારો છે અને એની ચૂંટણી માટે 10 લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. ચૂંટણી માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને પેપર ટ્રેઈલ મશીનો ઉપયોગમાં લેવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]