લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના 251 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે

નવી દિલ્હી – લોકસભાની ચૂંટણીમાં બીજા રાઉન્ડનું મતદાન 18 એપ્રિલના ગુરુવારે થવાનું છે. આ તબક્કા માટે કુલ 251 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની સામે ક્રિમિનલ કેસો નોંધવામાં આવ્યા છે.

આમાં 167 જણના કેસ તો ગંભીર પ્રકારના છે. આ જાણકારી આ ઉમેદવારોએ જ નોંધાવેલા સોગંદનામામાં દર્શાવવામાં આવી છે.

ચૂંટણીના 1,590 ઉમેદવારોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા પોતપોતાના સોગંદનામાની નેશનલ ઈલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે.

બીજા તબક્કા માટે કુલ 1,644 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે. આમાંના 54 ઉમેદવારોના સોગંદનામાની સમીક્ષા થઈ શકી નથી, કારણ કે એમણે હજી પૂરેપૂરું સોગંદનામું નોંધાવ્યું નથી.

એડીઆરના અહેવાલ મુજબ, ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોમાં, કોંગ્રેસના 53માંથી 23 છે, ભાજપના 51માંથી 16 છે, બહુજન સમાજ પાર્ટીના 80માંથી 16 છે, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમના 22માંથી 3, દ્રવિડ મુન્નેત્ર કળગમના 24માંથી 11 અને શિવસેનાનાં 11માંથી 4 ઉમેદવારનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના 17, ભાજપના 10, બીએેસપીના 10, AIADMKના, DMKના 7 અને શિવસેનાના એક ઉમેદવાર સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ રેકોર્ડ્સ નોંધાયા છે.

8 ઉમેદવારોએ અપહરણના બનાવમાં એમની સંડોવણીનો સ્વીકાર કર્યો છે જ્યારે 10 જણે બળાત્કાર, હુમલા, મહિલાની આબરુ લૂંટવાના ઈરાદે એની પર બળજબરી, મહિલા પર અત્યાચાર જેવા કેસો નોંધાયા હોવાનો એકરાર કર્યો છે.

15 ઉમેદવારો સામે આરોપ છે કે એમણે સમાજમાં વૈમનસ્ય પેદા કરતા ભાષણો કર્યા હતા.

423 ઉમેદવારોએ પોતપોતાની પાસે રૂ. એક કરોડ કે તેથી વધુની રકમની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના 46 છે, ભાજપના 45 ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 31.83 કરોડ છે જ્યારે ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 21.59 કરોડ છે.

16 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની પાસે કોઈ સંપત્તિ નથી.