લોન ડિફોલ્ટ મામલે રોટોમેકના માલિક વિક્રમ કોઠારીને અટકમાં નથી લીધાઃ CBI

કાનપુર – રૂ. 3,695 કરોડની લોન પરત ન કરવાના મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અમલદારોએ રોટોમેક પેન્સના માલિક-પ્રમોટર વિક્રમ કોઠારીની આજે અહીં પૂછપરછ કરી છે. અગાઉ એવા અહેવાલ હતા કે સીબીઆઈના અધિકારીઓએ વિક્રમ કોઠારીની સાથે એમના પુત્ર રાહુલ કોઠારીને અટકમાં લીધા છે. પરંતુ, સીબીઆઈ દ્વારા બાદમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે કોઠારીને અટકમાં નથી લીધા, પણ પૂછપરછ કરવામાં આવી છે.

કોઠારી પર આરોપ છે કે એમણે 2008ની સાલમાં સાત બેન્ક પાસેથી રૂ. 3,695 કરોડની રકમની લોન છેતરપીંડી દ્વારા મેળવી હતી.

કોઠારીએ જે સરકારી બેન્કો પાસેથી લોન લીધી હતી એમાં અલાહાબાદ બેન્ક (કોલકાતા), બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (મુંબઈ), બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સનો સમાવેશ થાય છે.

સીબીઆઈના અમલદારોની એક ટીમે આજે કોઠારીના અત્રેના નિવાસસ્થાને તથા અન્ય પ્રોપર્ટીઝ ખાતે દરોડા પાડ્યા હતા અને લોનને લગતા અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

આવકવેરા વિભાગે રોટોમેક ગ્રુપની કંપનીઓના 14 બેન્ક એકાઉન્ટ્સને ટાંચ મારી છે. આ એકાઉન્ટ્સ અનેક બેન્કોના છે. ત્રણ એકાઉન્ટ વિક્રમ કોઠારી અને એમના પરિવારના નામે છે.

વિક્રમ કોઠારી સામેની એફઆઈઆર કોપી મુજબની વિગત આ પ્રકારની છેઃ

બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથીઃ રૂ. 754.77 કરોડની લોન

બેન્ક ઓફ બરોડા પાસેથીઃ રૂ. 456.63 કરોડ

ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક પાસેથીઃ રૂ. 771.07 કરોડ


યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથીઃ રૂ. 458.95 કરોડ


અલાહાબાદ બેન્ક પાસેથીઃ રૂ. 330.68 કરોડ


બેન્ક ઓફ મહારાષ્ટ્ર પાસેથીઃ રૂ. 49.82 કરોડ


ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ પાસેથીઃ રૂ. 97.47 કરોડ

સીબીઆઈએ ગઈ કાલે વિક્રમ કોઠારી, એમના પત્ની સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી, એમની કંપની રોટોમેક ગ્લોબલ પ્રા.લિ. સામે કેસ નોંધ્યો હતો. એવી જ રીતે, અન્ય કેન્દ્રીય તપાસ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ પણ કોઠારી તથા એમના પરિવારજનો સામે મની લોન્ડરિંગ કેસ નોંધ્યો છે.

બેન્કો સાથે છેતરપીંડી કરાઈ હોય એવો આ દેશમાં બીજું મોટું કૌભાંડ છે. માંધાતા જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સીને સંડોવતા કેસમાં પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 11,400 કરોડની છેતરપીંડી કરવામાં આવી છે. મેહુલ ચોક્સી ગીતાંજલી ગ્રુપના પ્રમોટર છે. બંને જણ કૌભાંડ બહાર આવ્યું એ પહેલાં જ દેશમાંથી ભાગી ગયા હતા.

સીબીઆઈએ રોટોમેક કંપની અને તેમના ડાયરેક્ટર્સ વિરૂદ્ધ બેંક ઓફ બરોડાની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં રોટોમેક અને વિક્રમ કોઠારી સહિત 3 ડાયરેક્ટર્સ દ્વારા 7 બેંકોના 3695 કરોડ રૂપિયા ન ચૂકવી શકવાની વાત કહેવામાં આવી હતી. આરોપ છે કે આ લોકોએ છેતપિંડી કરીને આ લોન મેળવી હતી.

3 ડાયરેક્ટર્સ પર સીબીઆઈએ કેસ કર્યો

સીબીઆઈએ ગઈકાલે પોતાની કાર્યવાહી તેજ કરતા રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ વિક્રમ કોઠારી, સાધના કોઠારી અને રાહુલ કોઠારી તેમજ બેંક ઓફ બરોડાના એક અજાણ્યા અધિકારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે રોટોમેક કેસમાં ષડયંત્રકર્તાઓએ 7 બેંકોના કન્સોર્ટિયમમાંથી 2,919 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

આ બેંકો પાસેથી લીધું હતું ઉધાર

સીબીઆઈએ જણાવ્યું કે ઈંટરેસ્ટ સહિત આ દેવું 3 હજાર 695 કરોડ રૂપીયા જેટલું છે. લોન દેનારી બેંકોના કંસોર્ટિયમમાં બેંક ઓફ ઈંડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈંડિયન ઓવરસીઝ બેંક, યૂનિયન બેંક ઓફ ઈંડિયા, અલાહાબાદ બેંક અને ઓરિયંટલ બેંક ઓફ કોમર્સનો સમાવેશ થાય છે.