90 વર્ષમાં પહેલીવાર બંધ થયો ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલા, સુરક્ષાને લઈને નિર્ણય…

ઋષીકેશઃ ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદી પર બનેલા લક્ષ્મણ ઝૂલાને 90 વર્ષમાં પહેલીવાર સામાન્ય યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રિટિશ કાળમાં બનેલા આ પુલની ખરાબ હાલતને જોતાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા પ્રશાસને આ આદેશ જાહેર કર્યો છે.

લોક નિર્માણ વિભાગના વિશેષજ્ઞ પેનલે તાજેતરમાં જ પુલની વહન ક્ષમતાનું અધ્યયન કરીને સુઝાવ આપ્યો હતો કે આ પુલને બંધ કરી દેવામાં આવે. જેથી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા પુલનું રિપેરિંગ કરાવી શકાય. ઋષિકેશ પ્રશાસન અનુસાર લક્ષ્મણ ઝૂલા પર સામાન્ય લોકોના આવાગમનને અસ્થાયી રુપથી અટકાવવામાં આવ્યું છે અને ટૂંકસમયમાં ફરી શરુ કરી દેવામાં આવશે.

હકીકતમાં ઋષિકેશમાં ગંગા નદી પર બનેલા લક્ષ્મણ ઝૂલાનું નિર્માણ આઝાદી પહેલા 1929માં થયું હતું. નદીની એકબાજુથી બીજી બાજુ જવા માટે આ પુલનો ઉપયોગ દુનિયાભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો કરતાં હતાં. પ્રશાસનનું કહેવું છે કે આ પુલ પર લોકોની ભારે સંખ્યામાં આવાગમનના કારણે વધારે બોજ પડી રહ્યો છે. ત્યારે આવામાં પુલની ખરાબ સ્થિતિને ધ્યાને રાખતા પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુલને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના અતિરિક્ત મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કહ્યું કે આ પુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે નહીંતો મોટો અકસ્માત થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે જોયું કે પુલની હાલત ખરાબ સ્થિતિમાં છે.

ઉલ્લેખનીય છે કે ઋષિકેશ આવનારા પર્યટકો માટે લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ પુલ પર ગંગાની સોગંધ, સંન્યાસી અને સીઆઈડી જેવી ઘણી સફળ હિંદી સીરીયલ અને ફિલ્મોના શૂટિંગ થયાં છે. કહેવામાં આવે છે કે જૂના સમયમાં આ પુલનો ઉપયોગ મુખ્ય રુપથી ચાર ધામ યાત્રીઓ દ્વારા કરવામાં આવતો હતો. 284 ફૂટ લાંબો આ પૂલ હવામાં ઝુલતો રહે છે. જેના કારણે આનું નામ ઝૂલા રાખવામાં આવ્યું હતું.