પાડોશી દેશોના મુસ્લિમ શરણાર્થીઓને ‘નો એન્ટ્રી’ આપતો આ નવો કાયદો શું છે?

નવી દિલ્હી: નાગરિક સંશોધન બિલને ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે લોકસભામાં આજે રજૂ કરી દીધું. આ પહેલા ભાજપ તરફથી તેમના સાંસદોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું. બિલ પારિત થવાની સાથે જ છ દાયકા જૂનો નાગરિકતા કાયદો 1955 બદલાઈ જશે અને ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારતમાં આવેલા ગેરમુસ્લિમ (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) શરણાર્થીઓને સીએબી હેઠળ ભારતીય નાગરિકતા મળી જશે.

આવો જાણીએ આ બિલ અંગે દસ મહત્વની વાતો

  • નાગરિક સંશોધન બિલનો ઉદ્દેશ્ય હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ આ છ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાનો છે.
  • બિલ મારફતે વર્તમાન કાયદામાં સુધારો કરવામાં આવશે, જેથી નક્કી કરેલા વર્ગોના ગેરકાનૂની પ્રવાસીઓ છૂટ આપી શકાય. જોકે આ સુધારા બિલમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નથી આવ્યો એટલા માટે વિપક્ષ બિલને ભારતીય બંધારણમાં સમાવિષ્ઠ ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવતા બિલનો વિરોધ અને ટીકા કરી રહ્યા છે.
  • નવા કાયદામાં અન્ય સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, જેથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેલા લોકો તથા પાડોશી દેશોમાં ધાર્મિક અત્યાચારોનો ત્રાસથી ભારતમાં શરણ લેનારા લોકોમાં સ્પષ્ટ પણે અંતર રાખી શકાય.
  • દેશના પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ રાજ્યોને ચિંતા છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં આવેલા હિન્દુઓને નાગરિકતા મળી જશે.
  • નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં સરળતાથી પાસ થવાનું નક્કી છે પણ રાજ્યસભામાં કે જ્યાં કેન્દ્ર સરકાર પાસે બહુમત નથી, ત્યાં આ બિલન પારિત થવું થોડું મુશ્કેલ બની જશે.

  • કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કષગમ, સમાજવાદી પાર્ટી, વામદળ તથા રાષ્ટ્રીય જનતા દળ આ બિલના વિરોધમાં છે, પણ રાજ્યસભામાં મતદાનની સ્થિતિ ઉભી થવા પર ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ જેવી પાર્ટીઓ સરકારના પક્ષમાં નિર્ણય આપી શકે છે.  કોંગ્રેસનું કહેવું છે કે, આ કાયદો દેશના સંવિધાન અને પાર્ટીના ધર્મનિરપેક્ષ મૂલ્યોની વિરુદ્ધમાં છે.
  • ભાજપની સહયોગી અસમ ગણ પરિષદ (એજીપી) એ વર્ષ 2016માં લોકસભામાં પારિત કરતી વખતે આ બિલનો વિરોધ કર્યો હતો, અને સત્તાધારી ગઠબંધનમાંથી અલગ પણ થઈ ગઈ હતી. પણ જ્યારે આ કાયદો નિષ્પ્રભાવી થઈ ગયો ત્યારે એજીપી ગઠબંધનમાં પરત જોડાઈ ગઈ.   
  • પૂર્વોત્તર રાજ્યોનું કહેવું છે કે, બાંગ્લાદેશથી મોટા પાયે આવેલા હિંદુઓને નાગરિકતા આપવાથી સ્થાનિકોના હક ઘટશે. આ બિલ સમાનતાની વાત કરતી બંધારણની કલમ 14નું ઉલ્લંઘન, શ્રીલંકા નેપાળના મુસ્લિમોને પણ બિલમાં સામેલ કરો.
  • કાયદો લાગૂ થયા બાદ પાડોશી રાજ્યોમાંથી આવેલા બિન મુસ્લિમોને 1 વર્ષમાં મળી જશે નાગરિકતા, મુસ્લિમોને ક્યારેય નહીં મળે. બિન મુસ્લિમો દસ્તાવેજો વિના મળશે તો તેમને જેલ નહીં. ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા લોકો નાગરિકત્વને પાત્ર.
  • હાલ કોઈ પણ વ્યક્તિએ નાગરિકત્વ માટે ભારતમાં 11 વર્ષ રહેવું જરૂરી છે, પરંતુ નવા વિધેયકમાં આ સમય મર્યાદા ઘટાડીને એકથી છ વર્ષની કરવામાં આવી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]