કેરળ હોનારત: રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી તબીબી ટીમની વધુ સહાય

તિરુવનંતપુરમ- પૂરની કુદરતી હોનારતનો સામનો કરી રહેલા કેરળની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાની તબીબી ટીમ અને ફિલ્ડ હોસ્પિટલની માગ કરી છે. આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાની 12થી વધુ ટુકડી મેડિકલ સહાય માટે પહેલાથી જ કેરળમાં તહેનાત કરવામાં આવી છે. જેમાં 3 હજારથી વધુ લોકો તબીબી સહાય મેળવી રહ્યા છે.કેરળમાં હવે વરસાદ રોકાયા બાદ સ્થિતિ ધીરેધીરે સામાન્ય થઈ રહી છે અને કાબૂમાં આવી રહી છે. પૂર અને જમીન ધસી પડવાને કારણે અત્યાર સુધીમાં 370થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. લાખો લોકો બેઘર થયા છે અને રાહત શિવિરોમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. હજારો કરોડ રુપિયાના આર્થિક નુકસાન બાદ કેન્દ્ર સરકારે કેરળની પૂર હોનારતને ગંભીર પ્રાકૃતિક હોનારત તરીકે જાહેર કરી છે.

આ દરમિયાન પ્રદેશમાં ચેપી રોગ ફેલાવવાનો ભય વધી ગયો છે. સ્થાનિક લોકોને તબિબિ સહાય આપી શકાય તે માટે મહારાષ્ટ્રના 100 ડોક્ટરોની ટીમ કેરળ પહોંચી છે. જોકે, સ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે હજી વધુ તબિબિ ટીમની માગ કરી છે.