કેરળઃ કેદીઓ કરી શકશે અંગદાન, વિધાનસભામાં પ્રસ્તાવ મંજૂર

કેરળઃ કેરળ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે જેલમાં બંધ કેદી પણ પોતાના પરિજનોનો જીવ બચાવી શકશે. વિધાનસભાએ થોડા સમય પહેલાં જ રજૂ કરાયેલા એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.  કેરળની જેલોમાં બંધ કેદી જરૂર પડ્યે પરિજનો માટે અંગદાન પણ કરી શકશે. આ માટે તેમણે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની રહેશે. નવી જોગવાઈ અનુસાર કેદી દ્વારા હોસ્પિટલમાં વિતાવવામાં આવેલા સમયને પેરોલમાં જોડી દેવામાં આવશે.

કેરળની જેલોમાં બંધ ઘણા કેદીઓ આનો લાભ લઇ શકે છે. આ પહેલી એવી તક છે કે જ્યારે કેરલ પ્રિઝન રૂલ્સમાં કેદીઓના અંગદાનની જોગવાઈ રાખવામાં આવી છે. અંગદાન કરવા ઈચ્છતા કેદીઓને મેડિકલ બોર્ડ પાસેથી મંજૂરી લેવી જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કેરળની કન્નૂર જેલમાં બંધ પી.સુકુમારન નામના એક કેદીએ પોતાના પરિવારના એક સભ્યને કિડની દાનમાં આપવા માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી જેના દ્વારા પ્રેરિત થઈને રાજ્યસરકારે જેલના નિયમોમાં થોડો બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.

જો કોઈ કેદીએ પોતાના સ્નેહીને અંગદાન કરવું હશે તો તેના માટે કેદીએ, એ કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે જે કોર્ટે કેદીને દોષિત જાહેર કર્યો હોય. આમ કરનારા કેદીના ઈલાજનો ખર્ચ જેલ પ્રશાસનના શીરે જશે. આવા કેદીઓની દેખરેખ અને તેમના ખાનપાનની જવાબદારી સંબંધિત જેલ અધિકારીઓની હશે. સાથે જ અહીંયા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મામલે કેદીઓની સજામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે.

મહત્વનું છે કે કેરળમાં જેલ કેદીઓને અત્યારે માત્ર રક્તદાન કરવાની છૂટ આપવામાં આવે છે. રક્તદાન કરનારા કેદીઓને તેમની સજામાં પ્રત્યેક વખતે 15 દિવસની છૂટ આપવામાં આવે છે. મુખ્યત્વે દુર્લભ બ્લડ ગ્રુપ હોવાની સ્થિતિમાં કેદીની વિશેષરુપે સારસંભાળ પણ રાખવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]