કઠુઆ બળાત્કાર કેસના આઠેય આરોપીઓએ કોર્ટને કહ્યું, ‘અમે નિર્દોષ છીએ’

જમ્મુ – જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ પ્રાંતના કઠુઆ જિલ્લામાં લઘુમતી કોમની એક ભટકતી જાતિની આઠ વર્ષની છોકરીનું અપહરણ કરી, એને ગોંધી રાખી એની પર બળાત્કાર ગુજારવાનો જેમની પર આરોપ છે તે આઠ શખ્સે આજે અહીં શરૂ થયેલી કાનૂની કાર્યવાહી દરમિયાન જિલ્લા અને સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે. આરોપીઓએ જજને એમ પણ કહ્યું કે તમે અમારી નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરાવવાનો આદેશ આપો.

દેશભરમાં ખળભળાટ મચાવનાર આઠ વર્ષની બાળકી આસીફા પર બળાત્કાર અને એની હત્યા કરાયાની ઘટનાના કેસમાં આજથી કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ કેસના સંબંધમાં આઠ પુરુષની ધરપકડ કરી છે.

આ આરોપીઓમાંનો એક જણ સગીર વયનો છે. એમના વકીલે જજને કહ્યું હતું કે એમને ચાર્જશીટની કોપીઓ આપવામાં આવી નથી.

કોર્ટે ત્યારબાદ રાબેતા મુજબની પ્રક્રિયા પૂરી કરવા માટે સુનાવણી મુલતવી રાખી છે. સુનાવણી માટે કોર્ટે 28 એપ્રિલની નવી તારીખ નક્કી કરી છે.

દરમિયાન મૃત છોકરીનાં પિતાએ આ કેસને જમ્મુ અને કશ્મીર રાજ્યમાંથી અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એમણે એવી શંકા વ્યક્ત કરી છે કે રાજ્યમાં આ કેસની કાર્યવાહી ચાલશે તો એમાં દખલગીરી થશે અને ખટલો ઉચિત રીતે ચાલશે નહીં. છોકરીનાં પિતાએ આ કેસ ચંડીગઢમાં ટ્રાન્સફર કરવા કહ્યું છે.

આરોપી સાંજી રામ

છોકરીનાં પિતાએ સુપ્રીમ કોર્ટને એવી પણ અપીલ કરી છે કે નેતાઓ કેસના સગીર વયના આરોપીને મળે નહીં અને કેસની કાર્યવાહીની પ્રગતિની વિગત સુપ્રીમ કોર્ટને જણાવતા રહેવું.

છોકરીનાં પિતાની વકીલ દીપિકા સિંહ રાજાવતે એવો દાવો કર્યો છે કે એમને પોતાને પણ ધમકીઓ મળી રહી છે અને એમની ઉપર પણ બળાત્કાર થવાનું અને એમની હત્યા કરવામાં આવે એવું જોખમ છે. માટે જ એમણે સુપ્રીમ કોર્ટને વાકેફ કરવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કશ્મીરની પોલીસને આદેશ આપ્યો છે કે રાજાવત તથા છોકરીનાં પરિવારને પર્યાપ્ત રક્ષણ પૂરું પાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષની બાળકી આસીફા 10 જાન્યુઆરીથી લાપતા હતી. એનો મૃતદેહ અઠવાડિયા પછી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એવું જાણવા મળ્યું હતું કે છોકરીને એક મંદિરની અંદર ગોંધી રાખવામાં આવી હતી અને એની પર બળાત્કાર કરાયો હતો અને હત્યા કરાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]