કશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર: આતંકવાદી બનેલા પ્રોફેસર સહિત પાંચ ત્રાસવાદી ઠાર

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના શોપિયાં જિલ્લામાં આજે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ નાગરિકો માર્યા ગયા છે તેમજ પાંચ ત્રાસવાદીઓ ઠાર મરાયા છે. આ પાંચ ત્રાસવાદીઓમાંનો એક જણ કશ્મીર યુનિવર્સિટીનો સહાયક પ્રોફેસર મોહમ્મદ રફી બટ છે, જે બે દિવસ પહેલાં જ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને બે દિવસથી લાપતા હતો.

મોહમ્મદ રફી બટ

પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષા જવાનો અને દેખાવકારો વચ્ચેની અથડામણો દરમિયાન આદિલ એહમદ નામનો એક દેખાવકાર નાગરિક ઘાયલ થયો હતો. એને કુલગામ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો. આદિલ કુલગામ જિલ્લાના બેહીબાગ ગામમાં ઘાયલ થયો હતો.

અન્ય નાગરિકોના નામ છે – સજાદ એહમદ (દુરૂ ગામ, અનંતનાગ જિલ્લા), ઝુબૈર એહમદ (પુલવામા) અને યાસીર એહમદ (શોપિયાં). આ ત્રણેય જણ પણ ગોળીની ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. આસીફ એહમદ (પુલવામા) અથડામણ વખતે ગોળી વાગવાને કારણે શ્રીનગરની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.

શ્રીનગરમાં સુરક્ષા જવાનો પર પથ્થરમારો કરતા દેખાવકારો

દેખાવકારો અને સુરક્ષા જવાનો વચ્ચેની અથડામણોમાં ડઝન જેટલા નાગરિકો ઘાયલ થયા હતા.

દેખાવો દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ અગ્નિશામક દળની બે ગાડીઓને આગ લગાડી હતી.

ઠાર થયેલા ત્રાસવાદીઓ

શોપિયાં જિલ્લામાં થયેલી સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા પાંચ ત્રાસવાદીઓ છે – સદ્દામ પડ્ડાર, મોહમ્મદ રફી ભટ, તૌસીફ શેખ, મૌલવી બિલાલ અને આદિલ એહમદ. આમાંનો મોહમ્મદ રફી બટ કશ્મીર યુનિવર્સિટીનો સહાયક પ્રોફેસર હતો. એ 33 વર્ષનો હતો અને બે જ દિવસ પહેલાં હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનમાં જોડાયો હતો. સદ્દામ પડ્ડાર 2016ના જુલાઈમાં અનંતનાગ જિલ્લામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બુરહાન વાનીનો નિકટનો સાગરિત હતો.

મોહમ્મદ રફી બટ ગંડેરબાલ જિલ્લાના ચુંદુના ગામનો રહેવાસી હતો. સત્તાવાળાઓએ કશ્મીર યુનિવર્સિટીમાં સોમવાર અને મંગળવારના વર્ગો સસ્પેન્ડ કરી દીધા છે.

સત્તાવાળાઓએ પ્રોફેસર બટનો મૃતદેહ ચુંદુના ગામમાં એના પરિવારજનોને સુપરત કરી દીધો છે.

અફવાઓ ફેલાય નહીં એ માટે ગંડેરબાલ જિલ્લા અને દક્ષિણ કશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

દરમિયાન, જમ્મુ અને કશ્મીરના પોલીસ વડા એસ.પી. વેદે ટ્વીટ કરીને એન્કાઉન્ટરમાં ત્રાસવાદીઓને ખતમ કરી દેવાયા તે અંગે ખુશી વ્યક્ત કરી છે. એમણે ટ્વીટમાં લખ્યું છે, ‘બદીગામ જૈનપોરા શોપિયાંમાં એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. પાંચ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસના જવાનો શાબાશ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]