J&K: સરકાર બનાવવા BJPનો પ્રયાસ, CMના નામ પર સસ્પેન્સ યથાવત

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં PDPના કેટલાક બળવાખોર ધારાસભ્યો અને સજ્જાદ લોનની મદદથી રાજ્યમાં સરકાર રચવા ભારતીય જનતા પાર્ટીએ કવાયત ઝડપી કરી હોય તેમ લાગી રહ્યું છે. જોકે મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઈને વાત અટકી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં સીએમને લઈને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહનું નામ સૌથી આગળ છે. તો અન્ય પક્ષ સજ્જાદ લોનને મુખ્યપ્રધાન બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી તેના સહયોગીઓની કોઈ પણ વાત માનવા તૈયાર છે અને પ્રધાન પદ આપવા પણ તૈયાર છે પરંતુ મુખ્યપ્રધાનને લઈને કોઈ સમાધાન કરવા તૈયાર નથી. કારણકે આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનો સીએમ પસંદ કરવાની સારી તક રહેલી છે.

જોકે PDPના બળવાખોર ધારાસભ્યો પણ કંઈ જતું કરવા તૈયાર નથી. ગત સપ્તાહે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરનારા PDPના બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે, તેઓ આ મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં કદાચ જમ્મુ-કશ્મીરમાં BJPના મુખ્યપ્રધાન બની શકે છે પણ હાલ તો એ સંભવ નથી.

આ ચર્ચાઓ વચ્ચે રાજ્યમાં સરકાર બનાવવાની તમામ અટકળોને પાયા વિહોણી ગણાવતા ભાજપના મહાસચિવ રામ માધવે આ વાતથી ઈનકાર કર્યો કે, ભારતીય જનતા પાર્ટી જમ્મુ-કશ્મીરમાં સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. ગત રોજ રામ માધવે ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલમાં ભારતીય જનતા પાર્ટી જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસના પક્ષમાં છે.