કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે: મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નાઈ- તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ કરવામાં આવશે. જે અંગેની સ્પષ્ટતા મદ્રાસ હાઈકોર્ટે કરી છે. આ અંગે આજે સવારથી જ મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કરુણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યા છે.DMK પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું 94 વર્ષની ઉંમરે મંગળવારે સાંજે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતાં અને કાવેરી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. કાવેરી હોસ્પિટલના ડૉક્ટર્સે જણાવ્યું કે, ‘તમામ પ્રયાસો છતાં અમે કરુણાનિધિને બચાવી નથી શક્યા. એમ. કરુણાનિધિએ મંગળવારે સાંજે 06:10 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા’.

મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકારના વિરોધને નકારતા કરુણાનિધિની અંતિમવિધિ મરીના બીચ પર કરવાની મંજૂરી આપી દીધી છે. પૂર્વ મુખ્યપ્રધાનની અંતિમવિધિ તેમના રાજકીય ગુરુ સી.એન. અન્નાદુરાઈની સમાધીની બાજુમાં કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, DMKના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને પ્રોટોકોલનો તર્ક રજૂ કર્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાનના અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરી શકાય નહીં. જોકે હાઈકોર્ટે તેમની દલિલ માન્ય રાખી નહતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]